રાજ્યના ૨૦૦થી વધુ યુવાનો સાથે નોકરીના નામે છેતરપિંડી કરી હોવાનો દાવો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મંત્રાલયમાં જુનિયર ક્લર્ક તરીકે નોકરી અપાવવાનું કહીને ૨૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનારી ગૅન્ગને પોલીસે પકડી પાડી છે. આ ગૅન્ગ ઉમેદવારોના ઇન્ટરવ્યુ મંત્રાલયની અંદર ગોઠવીને તેમનું મેડિકલ ચેકઅપ પણ જે. જે. હૉસ્પિટલમાં કરાવડાવતી હોવાથી લોકોને શંકા થતી નહોતી. નાગપુરની એક વ્યક્તિએ ફરિયાદ કરતાં આખો મામલો બહાર આવ્યો હતો. એના પગલે પોલીસે લૉરેન્સ હેન્રી નામના મુખ્ય આરોપી સહિત ૭ લોકોની ધરપકડ કરી છે.
ફરિયાદી જણાવ્યું હતું કે ‘સરકારી નોકરી અપાવવાનું કહીને હેન્રી અને તેના સાથીદારો લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ઇન્ટરવ્યુ માટે તેઓ મંત્રાલયમાં ‘શિલ્પા ઉદાપુરે’ના નામની તકતી હોય એવી કૅબિનમાં બોલાવતા હતા. ઇન્ટરવ્યુ બાદ સરકારી જે. જે. હૉસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવતા હતા અને જે ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું હોય એ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ માટે નકલી આઇડેન્ટિટી (ID) કાર્ડ પણ બનાવી આપતા હતા.’
ADVERTISEMENT
ત્યાર બાદ કોઈ અપૉઇન્ટમેન્ટ લેટર ન મળતાં ફરિયાદીએ પોલીસને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં જણાયું હતું કે હુડકેશ્વર, ચંદ્રપુર અને વર્ધાના લગભગ ૨૦૦ જેટલા યુવાનો સાથે મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી થઈ છે.


