૨૦૧૬ની ઘટના : અશ્વિની બિદ્રેની ગળું દબાવીને હત્યા કર્યા બાદ અભય કુરુંદકરે મૃતદેહના ટુકડા કરીને વસઈની ખાડીમાં ફેંકી દીધા
અભય કુરુંદકર, અશ્વિની બિદ્રે
૨૦૧૬માં નવી મુંબઈ પોલીસના હ્યુમન રાઇટ્સ સેલમાં નિયુક્ત ૩૭ વર્ષની અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API) અશ્વિની બિદ્રે-ગોરે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. પોલીસની તપાસમાં બાદમાં જણાઈ આવ્યું હતું કે APIની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા વસઈની ખાડીમાં ફેંકી દેવામાં આવ્યા છે. આ મામલામાં પોલીસે પ્રેસિડન્ટ મેડલ મેળવનારા પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ઍડિશનલ સેશન્સ કોર્ટ (પનવેલ)ના જસ્ટિસ કે. જી. પાલડેવારે આ મામલામાં ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકરને આજીવન કારાવાસની તો તેના સહયોગી કુંદન ભંડારી અને મહેશ ફળણીકરને સાત વર્ષની સજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે API અશ્વિની બિદ્રે ૨૦૦૫માં પોલીસમાં ભરતી થઈ હતી. તેની સાંગલીમાં પોસ્ટિંગ હતી ત્યારે અભય કુરુંદકર સાથે ઓળખાણ થઈ હતી. બન્ને પરિણીત હોવા છતાં તેમની વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા. અભય કુરુંદકરે પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાનું વચન આપ્યુ હતું એટલે અશ્વિની બિદ્રેએ તેના પર વિશ્વાસ રાખીને પતિથી છૂટાછેડા લીધા હતા અને દીકરીની કસ્ટડી પતિને સોંપી હતી. પોતે છૂટાછેડા લઈ લીધા હતા એટલે અશ્વિની બિદ્રેએ અભયને પણ તેની પત્નીથી છૂટાછેડા લઈને પોતાની સાથે લગ્ન કરવાનું કહેવા માંડ્યું હતું. જોકે લાંબો સમય વીતી ગયો હોવા છતાં અભય કુરુંદકર પત્નીને છૂટાછેડા નહોતો આપતો એટલે બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. કાયમના ઝઘડાથી છુટકારો મેળવવા અભય કુરુંદકરે ૨૦૧૬ની ૧૧ એપ્રિલે રાત્રે અશ્વિની બિદ્રેને ભાઈંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં મળવા બોલાવી હતી. બાદમાં કારમાં ભાઈંદરની ખાડી તરફ લઈ જતી વખતે અભય કુરુંદકરે અશ્વિની બિદ્રેનું ગળું દબાવીને હત્યા કરી હતી. પછી અભય કુરુંદકરે તેના સહયોગીઓની મદદથી અશ્વિનીના મૃતદેહના ટુકડા કરીને વસઈની ખાડીમાં ફેંકી દીધા હતા. ૮ મહિના સુધી અભય કુરુંદકરે અશ્વિની બિદ્રેની હત્યાનો મામલો છુપાવી રાખ્યો હતો, પરંતુ પોલીસે ૨૦૧૭ની ૭ ડિસેમ્બરે અભય કુરુંદકરની અપહરણ અને હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

