Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનામાં સત્તાસંઘર્ષ લંબાયો

શિવસેનામાં સત્તાસંઘર્ષ લંબાયો

13 December, 2022 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય ચૂંટણીપંચે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયા સુધી સુનાવણી મોકૂફ રાખી : બન્ને પક્ષે રજૂ કરેલા પુરાવાની ચકાસણી કરવાની બાકી હોવાથી ગઈ કાલે પાંચેક મિનિટ જ સુનાવણી થઈ શકી

સીમાવિવાદ વચ્ચે મહારાષ્ટ્ર-કર્ણાટકના મુખ્ય પ્રધાનો ગઈ કાલે અમદાવાદમાં મળ્યા

સીમાવિવાદ વચ્ચે મહારાષ્ટ્ર-કર્ણાટકના મુખ્ય પ્રધાનો ગઈ કાલે અમદાવાદમાં મળ્યા


એકનાથ શિંદેએ ૪૦ વિધાનસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરે પરિવારથી છેડો ફાડ્યા બાદ બીજેપીના સહયોગથી સરકારની સ્થાપના કરવાથી મૂળ શિવસેના કોની અને ધનુષબાણ કોનું? એ માટે એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે પાંચ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી આ મામલો અત્યારે મુખ્ય ચૂંટણીપંચ પાસે છે. ગઈ કાલે શિવસેના પક્ષ અને ધનુષબાણ સહિતના મુદ્દાઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે બન્ને જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાની ચકાસણી કરવાની બાકી હોવાથી પાંચથી સાત મિનિટ જ સુનાવણી થઈ શકી અને ચૂંટણીપંચે આગામી સુનાવણી આવતા મહિનાના પહેલા અઠવાડિયે હાથ ધરવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી પાંચ મહિનાથી ચાલી રહેલો શિવસેનાનો સત્તાસંઘર્ષ પાછો લંબાયો છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને ઉદ્વવ ઠાકરે જૂથે પક્ષ અને ચૂંટણીચિહ્ન મેળવવા માટે લાખોની સંખ્યામાં સોગંદનામાં અને બીજા પુરાવા મુખ્ય ચૂંટણીપંચને સોંપ્યાં છે. ચૂંટણીપંચે વારંવાર માગણી કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે મોડે-મોડેથી મોટા ભાગના પુરાવા આપ્યા હતા.



રાજ્યપાલે મહાપુરુષોનાં નિવેદનો બદલ ભૂમિકા સ્પષ્ટ કરી


છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહારાષ્ટ્રના મહાપુરુષો બદલ વિવાદાસ્પદ નિવેદન કરવા  બદલ વિરોધીઓની ટીકાનો સામનો કરી રહેલા રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યપાલે રાજ્યના નેતૃત્વને બદલે કેન્દ્રના નેતૃત્વમાં પોતાની વાત રજૂ કરતો પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘મહાપુરુષોનો અનાદર હું સપનામાં પણ ન કરી શકું. અત્યારની કર્મઠ વ્યક્તિઓને આદર્શ કહેવી એ મહાપુરુષોનું અપમાન નથી. કોરોનાના સમયમાં જ્યારે મોટા-મોટા નેતાઓ ઘરમાં ભરાઈ રહ્યા હતા ત્યારે મેં શિવનેરી, સિંહગઢ, રાયગઢ, પ્રતાપગઢ, સિંદખેડા જેવાં પવિત્ર સ્થળોનો પ્રવાસ કર્યો છે. મારા ભાષણના કેટલાક અંશ વાઇરલ કરીને કેટલાક લોકોએ વિવાદ ઊભા કર્યા છે. મેં કહ્યું હતું કે હું ભણતો હતો ત્યારે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા આ નેતાઓને વિદ્યાર્થીઓ આદર્શ માનતા હતા. આ નેતાઓ આદર્શ છે જ, પણ યુવા પેઢી વર્તમાન સમયના આદર્શ પણ શોધતી હોય છે, એથી મેં કહ્યું હતું કે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરથી લઈને અત્યારના સમયમાં નીતિન ગડકરી પણ આદર્શ હોઈ શકે છે. એનો અર્થ ડૉ. એપીજે અબ્દુલ કલામ, હોમી ભાભી જેવી કર્મઠ વ્યક્તિ યુવાપેઢીની આદર્શ હોઈ શકે છે.’

સીમાવિવાદ વચ્ચે મહારાષ્ટ્ર-કર્ણાટકના મુખ્ય પ્રધાનો ગઈ કાલે અમદાવાદમાં મળ્યા


સીમાવિવાદનો સામનો કરી રહેલાં મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને બસવરાજ બોમ્મઈ ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર મળ્યા હતા. ગુજરાતમાં બીજેપીના ભૂપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિમાં સામેલ થવા માટે ગયા હતા ત્યારે ઍરપોર્ટ પર બંને મુખ્ય પ્રધાનોએ કેટલીક મિનિટ વાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. સીમાવિવાદ બાબતે તેમણે ચર્ચા કરી હોવાની શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK