ઉદ્ધવ ઠાકરેને છોડીને આવેલા ભૂતપૂર્વ કુસ્તીબાજને પોતાની પાર્ટીમાં આવકારતાં એકનાથ શિંદેએ કહ્યું...
ચંદ્રહાર પાટીલે હવે શિવસેનાના એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યો છે
વેસ્ટર્ન મહારાષ્ટ્રના નેતા અને બે વાર મહારાષ્ટ્ર કેસરીનો ખિતાબ જીતેલા ભૂતપૂર્વ કુસ્તીબાજ ચંદ્રહાર પાટીલે હવે શિવસેનાના એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યો છે. સાંગલીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની ટિકિટ પર લડીને લોકસભાની ચૂંટણી હારેલા ચંદ્રહાર પાટીલ સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. આ સાથે સુધરાઈની ચૂંટણી પહેલાં ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા ઉમેદવારોની યાદીમાં વધુ એક ઉમેરો થયો છે.
ચંદ્રહાર પાટીલ અગાઉ લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના બળવાખોર ગણાતા વિશાળ પાટીલ સામે હાર્યા હતા. મહા વિકાસ આઘાડી અને મહાયુતિએ તેમનો વિરોધ કર્યો હોવાથી એકલપંડે ચૂંટણી લડ્યા હોવાનું જણાવતાં ચંદ્રહાર પાટીલે કહ્યું હતું કે ‘વંશવાદના રાજકારણથી પ્રભાવિત સાંગલી મતવિસ્તારમાં મને માત્ર ૬૦,૦૦૦ મત મળ્યા હતા. જો મને યોગ્ય સમર્થન મળે તો હું આ આંકડાને ૬,૦૦,૦૦૦માં ફેરવી શકું છું.’
ADVERTISEMENT
આ પ્રસંગે એકનાથ શિંદેએ શિવસેના (UBT) પર આડકતરી રીતે નિશાન સાધતાં ચંદ્રહાર પાટીલને જણાવ્યું હતું કે ‘આજે તમે એક બનાવટી અખાડામાંથી ખરા અખાડામાં ઊતર્યા છો. હું તો કુસ્તીબાજ નથી, પરંતુ ૨૦૨૨માં મેં મારા હરીફોને એવા પછાડ્યા હતા કે હજી સુધી તેમને કળ વળી નથી.’
એકનાથ શિંદેએ તેમના જૂના અનુભવો જણાવતાં કહ્યું હતું કે ‘મને રોજ અપમાનિત કરવામાં આવતો હતો, પરંતુ મેં એના જવાબમાં બોલીને નહીં પણ કરીને બતાવ્યું. હું ખેડૂતનો દીકરો છું અને મુખ્ય પ્રધાન બન્યો છું આ વાત અમુક લોકો પચાવી નથી શકતા. વરુ ફક્ત વાઘની ચામડી પહેરીને વાઘ નથી બની શકતું એ યાદ રાખવું જોઈએ.’

