શિવસેનાનાં થયેલાં બે ફાડિયાં બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ દશેરાસભા પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા સામે આમઆદમીનો સવાલ

જેની ઘણા દિવસોથી તડામાર તૈયારી કરવામાં આવતી હતી અે દશેરાસભામાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેઅે પહેલાં ભાષણ કર્યું હતું જેમાં તેમણે અેકનાથ શિંદેથી લઈને બીજેપી સુધી બધા પર શાબ્દિક હુમલા કર્યા હતા. જોકે નોંધનીય વાત અે હતી કે જ્યારે મુખ્ય પ્રધાને લોકોને સંબોધવાનું શરૂ કર્યું ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના મોટા ભાગના આરોપોનો ગણીગણીને જવાબ આપ્યો હતો. તસવીર: રાણે આશિષ અને સમીર માર્કન્ડે.
મુંબઈ ઃ શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ પક્ષ પર વર્ચસ મેળવવા માટે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી પંચ પક્ષ અને પક્ષના ચિહન ધનુષબાણનો ફેંસલો ટૂંક સમયમાં લઈ શકે છે, પરંતુ એ પહેલાં દશેરાસભાના નામે બંને જૂથ દ્વારા શક્તિ-પ્રદર્શન કરવામાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ રૂપિયા ટૅક્સ ભરનારા સામાન્ય લોકોના છે એનો આવી સભાઓ પાછળ ખર્ચ કરવા સામે આમઆદમીને સવાલ થઈ રહ્યો છે.
રાજ્યભરમાંથી દશેરાસભા માટે શિવસૈનિકોને મુંબઈ લાવવા માટે બંને જૂથે બસ, કાર અને ટ્રેનની વ્યવસ્થા કરવાની સાથે તેમને ભોજન પૂરું પાડવા માટે કૅટરર્સને મોટા ઑર્ડર પણ આપ્યા હતા. આની પાછળ મોટી રકમ ખર્ચવામાં આવી છે. એકનાથ શિંદે જૂથે તો એસટી બસના ભાડાપેટે ૧૦ કરોડ રૂપિયા કૅશ આપ્યા હોવાનું કહેવાય છે તો એમએમઆરડીએ અને શિવાજી પાર્ક મેદાનમાં વિશાળ સ્ટેજ સહિત બીજી સુવિધા પાછળ કેટલો ખર્ચ થયો હશે એનો અંદાજ આવી શકે છે.
એકનાથ શિંદે જૂથની વાત કરીએ તો ત્રણ-ત્રણ કૅટરરને ત્રણ લાખ વડાપાઉંની સાથે કચોરી, રાઇસ તેમ જ વીઆઇપીઓ માટે કૉફીથી લઈને ફુલ મૅનુ તૈયાર કરવા માટે ગ્રાઉન્ડની બાજુમાં આખેઆખું કિચન ઊભું કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે બહારગામથી આવેલા શિવસૈનિકો માટે ખીચડી સહિત વડાપાઉંની વ્યવસ્થા કરી હતી. ત્રણેક લાખ શિવસૈનિકો બહારગામથી આવ્યા હતા તેમના માટે બે વખત નાસ્તો અને પાણી માટે જ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.