EDએ કરી કાર્યવાહી : રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ફ્લૅટ અને દુકાનો ખરીદનારાઓના પૈસા અંગત કામ માટે ઉપયોગમાં લેવાનો આરોપ
ઇડીની ફાઇલ તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સાંઈ ગ્રુપના જયેશ વિનોદકુમાર તન્ના અને તેમના પરિવારજનોની કુલ ૩૩.૮૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ડી. એન. નગર, કાંદિવલી અને ગોરેગામમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ફ્લૅટ અને દુકાનો ખરીદનારાઓના પૈસા અંગત કામ માટે ઉપયોગમાં લેવાના આરોપસર તેમની તપાસ ચાલી રહી છે.
મુંબઈ પોલીસને મળેલા અનેક ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ (FIR)ના આધારે EDએ સાંઈ ગ્રુપના પ્રમોટર્સ જયેશ તન્ના, દીપ તન્ના અને અન્ય સાગરીતોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસની ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. મંગળવારે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ ૨૦૦૨ હેઠળ EDએ જયેશ તન્ના, તેમના પરિવારજનો અને તેઓ સંકળાયેલા હોય એવી ફર્મની કુલ ૩૩.૮૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. એમાં કૃષિલાયક જમીન, રેસિડેન્શિયલ ફ્લૅટ, કમર્શિયલ શૉપ સહિત મુંબઈ અને અહિલ્યાનગર (અગાઉનું અહમદનગર)માં આવેલા બંગલા પણ જપ્ત કર્યા હતા.
EDના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે યોગ્ય સંચાલન ન થવાને કારણે પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ પૂરા થતા નથી એને કારણે સોસાયટીના મૂળ રહીશો અને રોકાણકારોને ૮૫.૭૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT
પાંચમી માર્ચે EDએ સાંઈ ગ્રુપ અને એના પ્રમોટર્સને સંલગ્ન ૯ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એમાં તેમને દોષી સાબિત કરતા અનેક દસ્તાવેજો અને ગેરકાયદે પચાવી પાડેલી પ્રૉપર્ટીની વિગતો મળી હતી.

