દરોડામાં ૩૩ કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી હતી
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીના વસઈ અને હૈદરાબાદના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ૧૪ મેએ દરોડા પાડીને ૨૩.૫૦ કરોડ રૂપિયાની ગોલ્ડ અને ડાયમન્ડની જ્વેલરી અને ૮.૬૦ કરોડ રૂપિયા કૅશ જપ્ત કર્યાં હતાં. આ અધિકારીને વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ગઈ કાલે સસ્પેન્ડ કર્યો હતો. મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર અનિલ પવારે જાહેર કરેલા સસ્પેન્શનના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે EDની કાર્યવાહીમાં અધિકારીનાં ઘરોમાંથી બેનામી જ્વેલરી અને રોકડ રકમ મળી આવવાથી સુધરાઈની છબિ ખરડાઈ છે એટલું જ નહીં, અધિકારીએ મહારાષ્ટ્ર સિવિક સર્વિસિસ (કન્ડક્ટ) નિયમનો ભંગ કર્યો હોવાથી ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ આદેશ ૧૪ મેથી લાગુ કરવામાં આવ્યો છે.
સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ વાય. એસ. રેડ્ડીની એપ્રિલ ૨૦૧૬માં ૨૫ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી હતી. જોકે કોર્ટના આદેશ બાદ તેને ફરી નોકરી પર રાખવામાં આવ્યો હતો.


