એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિવસૈનિકોને આકર્ષિત કરવા માટે આક્રમકતા વધી

આવતી કાલની એકનાથ શિંદેની દશેરાની રૅલી પહેલાં ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં ચાલી રહેલું કામ (તસવીર : શાદાબ ખાન)
આવતી કાલે પાંચ દશકથી ચાલી આવતી શિવસેનાની પારંપરિક દશેરાસભા યોજાશે. અત્યાર સુધી દાદરના શિવાજી પાર્કમાં રાજ્યભરમાં શિવસેનાની એક જ દશેરાસભા યોજાતી હતી, પરંતુ એકનાથ શિંદેએ પોતાનું જુદું જૂથ બનાવતાં આ વર્ષે બે દશેરાસભા યોજાશે. શિવસૈનિકો કોની સભામાં જવાનું એની અવઢવમાં છે ત્યારે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દશેરાસભામાં તેમને ખેંચી લાવવા માટે ટીઝર વૉર ચાલી રહ્યું છે. શિવસેના ભાવનાથી જોડાયેલું સંગઠન હોવાથી શિવસૈનિકોને બંને જૂથ પોતપોતાની રીતે સભામાં આવવા માટે આકર્ષી રહ્યાં છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે અત્યાર સુધી ત્રણ ટીજર જારી કર્યાં હતાં. એની સામે એકનાથ શિંદેએ પણ ત્રણ ટીઝર જારી કર્યાં છે. ગઈ કાલે બંનેએ જૂથે ચોથું ટીઝર રિલીઝ કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે શિવસેના એટલે ઠાકરે પરિવારની સેના એવા મેસેજ સાથેનું ટીઝર ગઈ કાલે રિલીઝ કર્યું હતું.
આની સામે એકનાથ શિંદે જૂથ વતી નરેશ મસ્કેએ કહ્યું હતું કે વિરોધીઓ આ વખતની દશેરાસભામાં ગદ્દાર, ખોખા સહિતના શબ્દોનો ઉપયોગ કરવા સિવાય કંઈ નવું બોલવાના નથી. સાચી શિવસેના એકનાથ શિંદેની છે એટલે તેમની દશેરાસભા જ સાચી છે એવું ટીઝરમાં કહેવામાં આવ્યું છે.
શિવસેનાની દશેરારૅલીની શિવાજી પાર્કમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન ગઈ કાલે સેનાના સેક્રેટરી મિલિંદ નાર્વેકર અને અન્ય નેતાઓએ કામનું નિરીક્ષણ કર્યું હતું (તસવીર : શાદાબ ખાન)
પોલીસ અલર્ટ
ઇતિહાસમાં પહેલી વખત મુંબઈમાં એક જ દિવસે બે દશેરાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી મુંબઈમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસ અલર્ટ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની જ્યાં દશેરાસભા થવાની છે એ શિવાજી પાર્કના મેદાનની ગઈ કાલે ઉચ્ચ પોલીસ અધિકારી વિશ્વાસ નાંગરે પાટીલે મુલાકાત કરી હતી. આવી જ રીતે એકનાથ શિંદેની બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં થનારી સભાના સ્થળે પણ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચકાસણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ મુંબઈમાં રહેતા શિવસૈનિકો એકનાથ શિંદેની દશેરાસભામાં જાય ત્યારે તેમણે ટ્રાફિકથી બચવા માટે બાંદરા-વરલી સી-લિન્ક રોડનો ઉપયોગ કરવાની સૂચના પોલીસે આપી હોવાનું કહેવાય છે.
અંધેરીની પેટાચૂંટણી ૩ નવેમ્બરે
અંધેરી-પૂર્વના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેનું અવસાન થયા બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠક માટે રાજ્યના ચૂંટણી પંચે ગઈ કાલે પેટાચૂંટણી જાહેર કરી હતી. ૩ નવેમ્બરે મતદાન યોજાશે અને ત્રણ દિવસ બાદ એટલે કે ૬ નવેમ્બરે મતગણતરી થશે. એકનાથ શિંદે જૂથે આ બેઠક બીજેપીને આપી હોવાથી અહીંથી ગુજરાતી નેતા મુરજી પટેલને ઉમેદવારી આપવામાં આવે એવી શક્યતા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની સેના રમેશ લટકેનાં પત્ની ઋતુજાને મેદાનમાં ઉતારી શકે છે. ૨૪ ઑક્ટોબરે ઉમેદવારી ફૉર્મ ભરવામાં આવશે. રમેશ લટકેનું આ વર્ષે ૧૧ મેએ મૃત્યુ થયું હોવાથી ખાલી પડેલી બેઠકમાં છ મહિનાની અંદર ચૂંટણી યોજવાનું જરૂરી હોવાથી ચૂંટણી પંચે એનું આયોજન કર્યું છે. શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ આ પહેલી વિધાનસભાની ચૂંટણી યોજાશે એટલે આ ચૂંટણી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મહત્ત્વની બની રહેશે.