મુસીબતને નિમંત્રણ આપે એવાં દૃશ્યો : પોલીસ રસ્તા અને સ્ટેશન પર ભેગી થયેલી ભીડ પર કાબૂ મેળવી શકતી નહોતી : આગળ સેફ નથી એમ કહીને પોલીસ પોતે જ લોકોને ઘરે જવા વિનંતી કરી રહી હતી
વાનખેડે સ્ટેડિયમમાં હકડેઠઠ મેદની અને સ્ટેડિયમમાં મન મૂકીને નાચતા રોહિત, વિરાટ, સૂર્યા અને અન્ય ક્રિકેટરો. (તસવીરો - અતુલ કાંબળે)
ભારતે ૧૭ વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો એનો ઉત્સાહ ભારતભરમાં જોવા મળ્યો હતો. મુંબઈગરાઓ તો આમ પણ ક્રિકેટઘેલા છે. ગઈ કાલે ટીમ ઇન્ડિયા મુંબઈ આવીને વિક્ટરી પરેડ કરવાના સમાચાર આવતાં મુંબઈકરોનો ઉત્સાહ સાતમા આકાશે પહોંચી ગયો હતો. એથી કપ જીત્યાની ખુશીનો ઉત્સાહ માણવા અને ક્રિકેટરોને જોવા ગઈ કાલે આખું મુંબઈ રસ્તા પર ઊતર્યું હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. જોકે મુંબઈકરોનો આ ક્રેઝ મુસીબતને આમંત્રણ આપે એવાં દૃશ્યો પણ ગઈ કાલે જોવા મળ્યાં હતાં. પોલીસ પણ મજબૂર થઈને લોકોને વિનંતી કરી રહી હતી કે મરીન લાઇન્સ તરફ ન જાઓ, તમારો જીવ જોખમમાં મુકાશે.
સ્ટેશનો પર ભીડને કાબૂમાં કરવી પડી
ADVERTISEMENT
ભાઈંદર, બોરીવલી અને ત્યાર બાદનાં બધાં સ્ટેશનો પર ભારે ભીડ સાથે ક્રિકેટપ્રેમીઓ જય હિન્દ અને મુંબઈચા રાજા રોહિત શર્માના નારા લગાવતા હતા. એમાં પણ ખાસ કરીને ચર્ચગેટ સ્ટેશન પર તો રેલવે-પોલીસ મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી હોવા છતાં ભીડ કાબૂમાં આવી રહી નહોતી. રેલવે-સ્ટાફ માઇક લઈને લોકોને જલદી જાઓ, ભીડ ન કરો એવી અનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો.
લોકોનાં ચંપલ અને મહિલાઓની ઓઢણી ભીડમાં રસ્તા પર પડ્યાં
મરીન લાઇન્સ અને ચર્ચગેટમાં લોકો અને યુવાનોની એટલી બધી ભીડ હતી કે સ્ટૅમ્પીડ જેવો અનુભવ લોકોએ કર્યો હતો. આવી ભીડમાં લોકોને ચાલવાની જગ્યા હતી નહીં. ભારે ધક્કામુક્કી થઈ રહી હોવાથી લોકોનાં ચંપલ મોટી સંખ્યામાં રસ્તા પર પડ્યાં હતાં. અનેક મહિલાઓની ઓઢણી અને પર્સ પણ રસ્તા પર પડ્યાં હતાં. અનેક ઠેકાણે ક્રિકેટપ્રેમીઓ વૃક્ષ, કોઈએ પાર્ક કરેલી કાર, બાઇક અને દુકાનો પર ચડીને ક્રિકેટરોને જોવા ઊમટ્યા હતા.
બાળકોના ખરાબ હાલ થયા
પેરન્ટ્સ કરતાં ટીનેજરો અને નાનાં બાળકો ક્રિકેટરોને જોવા વધુ ઉત્સાહિત હતાં. જોકે ભીડમાં તેમના ખરાબ હાલ થયા હતા. ક્રિકેટરોને જોવાનું બાજુએ રહ્યું, રડી-રડીને તેમના હાલ બેહાલ થયા હતા.
રજા લઈને આવેલા લોકો નિરાશ અને હેરાન થયા
આટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટશે એવો કોઈને અંદાજ નહોતો. વર્કિંગ ડે હોવાથી એટલી બધી ભીડ નહીં હોય એવો અંદાજ રાખીને અનેક લોકો ઑફિસથી રજા લઈને આવ્યા હતા. ઘણા લોકો ઑફિસમાંથી સિક લીવ લઈને તો ઘણા હાફ ડે લઈને આવ્યા હતા. જોકે ભીડમાં કોઈ અણબનાવ ન બને એ માટે અને પોલીસ પણ બહાર કાઢી રહી હોવાથી અનેક લોકો નિરાશ થઈને પાછા ઘરે જઈ રહ્યા હતા.
પાણીની બૉટલો ખતમ થઈ
ચર્ચગેટ સ્ટેશન પર સાંજના સમયે જબરદસ્ત ભીડ થવાથી સ્ટેશનની કૅન્ટીનોમાં લોકોને પાણીની બૉટલો મળી રહી નહોતી.

