૮.૯૩ કરોડના સોના સાથે સિન્ડિકેટના ૭ જણની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ડિરેક્ટરટ ઑૅફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દુબઈથી કૅરિયર પૅસેન્જર દ્વારા દાણચોરી કરીને લાવવામાં આવતા સોનાને ગાળી આપતા યુનિટ પર રવિવારે રાતે રેઇડ પાડી હતી. એ યુનિટમાંથી બહાર નીકળી રહેલા બે જણની ઝડતી લેતાં તેમની પાસેથી ૮.૯૩ કરોડના ગાળેલા સોનાના બાર મળી આવ્યા હતા.
DRIને પાકી માહિતી મળી હતી કે દાણચોરીનું સોનું મસ્જિદ સ્ટેશન નજીક આવેલા યુનિટમાં ગાળવામાં આવે છે એથી DRIના મુંબઈ ઝોન દ્વારા ગુપ્ત ‘ઑપરેશન અલ્કેમિસ્ટ’ હાથ ધરવામાં આવ્યું હતું. એ પછી DRIના ઑફિસરોની ટીમ એ યુનિટ પર પહોંચી ગઈ હતી અને રેઇડ પાડી હતી. આ કાર્યવાહી અંતર્ગત આ સિન્ડિકેટના કુલ ૭ જણને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૮.૭૪ કિલોના સોનાના બાર મળી આવ્યા હતા. તપાસ કરતાં જણાયું હતું કે રવિવારે જ મુંબઈ ઍરપોર્ટ પર એક પૅસેન્જર ઈંડાના આકારની કૅપ્સ્યુલ્સમાં દાણચોરીનું સોનું લઈ આવ્યો હતો. એ સોનું મસ્જિદ સ્ટેશન પાસેના યુનિટમાં ગાળવાનું હતું એવી પાકી માહિતી મળી હતી એથી એના આધારે આ રેઇડ પાડવામાં આવી હતી.

