ડોમ્બિવલીમાં એકલા રહેતા કેતનભાઈ સોમવારે સાંજે ભૂલથી ગૅસ ચાલુ રાખીને ઘરની બહાર નીકળી ગયા હતા અને બે કલાક સુધી ગૅસ લીક થવાને કારણે આખું ઘર ગૅસ-ચેમ્બર બની ગયું હતું
મૃત્યુ પામેલા કેતન દેઢિયા
ડોમ્બિવલી-ઈસ્ટના દેશલેપાડામાં આવેલા કચ્છ જૈન ફાઉન્ડેશન નવનીતનગરની ‘W’ સોસાયટીમાં સોમવારે રાતે ભયાનક ગૅસ-બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ૪૯ વર્ષના કચ્છી કેતન દેઢિયાનું સારવાર દરમ્યાન ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું. ડોમ્બિવલીમાં એકલા રહેતા કેતનભાઈ સોમવારે સાંજે ભૂલથી ગૅસ ચાલુ રાખીને ઘરની બહાર નીકળી ગયા હતા અને બે કલાક સુધી ગૅસ લીક થવાને કારણે આખું ઘર ગૅસ-ચેમ્બર બની ગયું હતું. રાતે સાડાઅગિયાર વાગ્યે જ્યારે કેતનભાઈ ઘરે પાછા આવ્યા અને લાઇટની સ્વિચ-ઑન કરી ત્યારે થયેલા સ્પાર્કને કારણે મધરાતે પ્રચંડ ધડાકો થયો હતો. એ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે એની ધ્રુજારી આસપાસની ૭ સોસાયટીઓ સુધી અનુભવાઈ હતી અને આસપાસના ફ્લૅટની બારીઓના કાચ તૂટી ગયા હતા. એ ઉપરાંત ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયાં હતાં.
કેતનભાઈના મામા ધીરજ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે કેતનને તાત્કાલિક સાયન હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ શરૂઆતમાં તે ૮૦ ટકા અને ત્યાર બાદ ૯૦ ટકા જેટલો દાઝી ગયો હોવાનું જણાવ્યું હતું. મુંબઈના શ્રેષ્ઠ ડૉક્ટરોને રિપોર્ટ બતાવ્યા છતાં ગંભીર રીતે દાઝી ગયો હોવાથી કેતનની રિકવરીના ચાન્સ ખૂબ ઓછા હતા. જોકે બે દિવસ બાદ તેની હાલતમાં થોડો સુધારો જણાતાં અમને આશા જાગી હતી, પણ બીજી તરફ તેનું શરીર સતત ફુલાઈ રહ્યું હોવાથી ચિંતા થતી હતી. તબિયત સુધરે તો તેને અન્ય હૉસ્પિટલમાં ખસેડવાની તૈયારી પણ કરવામાં આવી હતી, પરંતુ ગઈ કાલે સવારે ૧૦.૪૦ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ એકદમ ફુલાઈ ગયો હોવાથી અંતિમ સંસ્કાર માટે તેને ડોમ્બિવલી લઈ જવો શક્ય ન હોવાથી નજીકના પરિવારજનોને બોલાવીને સાયન હૉસ્પિટલ નજીક જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
ડોમ્બિવલીમાં એકલા રહેતા અપરિણીત કેતનભાઈની મોટી બહેન લીના છેડા એક મમ્મીની જેમ તેની કાળજી રાખતી હતી એમ જણાવતાં ધીરજભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કેતનના પપ્પાનું ૧૬ વર્ષ પહેલાં અને મમ્મીનું ૧૨ વર્ષ પહેલાં અવસાન થયું હતું. મમ્મી-પપ્પા સાથે અગાઉ મુલુંડમાં રહેતા કેતન માટે એકલું રહેવું કઠિન હોવાથી તે તેની બહેન લીનાની બાજુમાં ડોમ્બિવલી રહેવા જતો રહ્યો હતો. તે પેપરબૅગનો હોલસેલ વેપાર કરતો હતો અને દરરોજ બહેનને મળવા જતો હતો. ગયા સોમવારે સાંજે પણ તે લીનાને મળીને તેની દીકરી સાથે રમીને કાલે આવીશ કહીને નીકળ્યો હતો, પરંતુ એ રાતે જ આ દુર્ઘટના બની ગઈ. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન કેતન બોલી શકતો નહોતો છતાં તે સતત પોતાની બહેન સાથે આંખના ઇશારે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો.’


