આ દંપતી ડૉ. ઓમ તનેજા અને તેમનાં પત્ની ડૉ. ઇન્દિરા તનેજાએ અમેરિકામાં લગભગ ૪૮ વર્ષ સુધી સેવા આપી હતી
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ અરેસ્ટ કરીને એક વૃદ્ધ ડૉક્ટર દંપતી સાથે ૧૪.૮૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન ઍન્ડ સ્ટ્રૅટેજિક ઑપરેશન્સ (IFSO)એ ગુજરાતના બે લોકોની ધરપકડ કરી છે.
આ દંપતી ડૉ. ઓમ તનેજા અને તેમનાં પત્ની ડૉ. ઇન્દિરા તનેજાએ અમેરિકામાં લગભગ ૪૮ વર્ષ સુધી સેવા આપી હતી અને ૨૦૧૫માં નિવૃત્તિ પછી ભારત પાછા ફર્યાં હતાં. તેમણે યુનાઇટેડ નેશન્સમાં પણ સેવા આપી હતી.
ADVERTISEMENT
૨૪ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરીની સવાર સુધી સ્કૅમસ્ટરોએ વિડિયોકૉલ દ્વારા દંપતી પર સતત દેખરેખ રાખી હતી. તેમની સાથે ૧૪.૮૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન સ્કૅમસ્ટરોએ ડૉ. ઇન્દિરા તનેજાને ૮ અલગ-અલગ બૅન્ક-ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. સ્કૅમસ્ટરોએ બે કરોડ, ૨.૪૦ કરોડ એમ અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું અને આ આંકડો આખરે કુલ ૧૪.૮૫ કરોડ રૂપિયા થયો હતો.
આ મુદ્દે જાણકારી આપતાં IFSOના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિનીત કુમારે જણાવ્યું હતું કે ‘પકડાયેલા આરોપીઓમાં ૨૮ વર્ષના દિવ્યાંગ પટેલ અને ૨૬ વર્ષના કૃતિક શિતોલેનો સમાવેશ થાય છે. બન્નેની ગુરુવારે વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા હતા. બાદમાં દિલ્હીની એક કોર્ટે બન્ને આરોપીઓને પૂછપરછ માટે બે દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલ્યા હતા. આ કેસ સાઇબર ફ્રૉડ સાથે સંબંધિત છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે ૨૯ ડિસેમ્બરે ૧૪.૮૫ કરોડ રૂપિયામાંથી આશરે ૪ કરોડ રૂપિયા દિવ્યાંગ પટેલ દ્વારા સંચાલિત એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના નામે નોંધાયેલા બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સંસ્થા કોઈ કામ કરતી નથી. બાકીનાં નાણાં અનેક ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં.


