અશેશ બ્રધર્સના સંજય શાહ હતાશામાં સરી પડ્યા હતા અને વેપારીઓ સાથે સેટલમેન્ટ કરવાની તૈયારી પણ દર્શાવી હતી
અશેશ બ્રધર્સના સંજય શાહ
મુંબઈની હીરાબજારમાં વર્ષોથી સૉલિટેર અને ડાયમન્ડ જ્વેલરીનું કામ કરતી મૂળ પાલનપુરની અશેશ બ્રધર્સ નામની કંપનીના સંજય શાહે ગઈ કાલે સવારે ગેટવે ઑફ ઇન્ડિયાથી સહેજ આગળ નૉર્થ કોર્ટ અને રેડિયો ક્લબ વચ્ચે દરિયામાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. કોલાબા પોલીસે આ સંદર્ભે જાણ થતાં તેમના મૃતદેહનો તાબો લઈને વધુ કાર્યવાહી કરી હતી. બહુબધું દેવું થઈ જવાથી તેમણે આ પગલું લીધું હોવાનું માર્કેટમાં ચર્ચાઈ રહ્યું હતું. પેઢી કાચી પડતાં જે વેપારીઓ પાસેથી ડાયમન્ડ લીધા હતા તેમની સાથે સેટલમેન્ટ માટે મીટિંગો પણ થઈ હતી.
કોલાબા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રમોદ ભોવતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંજય શાહ ગેટવે ઑફ ઇન્ડિયા સુધી ટૅક્સીમાં આવ્યા હતા અને એ પછી ટૅક્સી છોડીને તેમણે દરિયામાં ઝંપલાવી દીધું હતું. આનાં ક્લોઝડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ અમને મળ્યાં છે. તેમની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. અમારા સ્ટાફને આ સંદર્ભે માહિતી મળતાં સ્પૉટ પહોંચીને તેમના મૃતદેહનો તાબો લીધો હતો અને ત્યાર બાદ એને પોસ્ટમૉર્ટમ માટે સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં મોકલ્યો હતો. હાલ અમે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.’
ADVERTISEMENT
માર્કેટના ટોચના એક વેપારીએ કહ્યું હતું કે ‘આમ તો આ પેઢી લગભગ ૪૦-૪૫ વર્ષથી માર્કેટમાં છે. હાલ પેઢી તકલીફમાં હોવાની પણ વાત સાચી છે. વેપારીઓના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. પાર્ટીએ સેટલમેન્ટનું પ્રૉમિસ કર્યું હતું અને ૩૫ ટકા રકમ પાછી આપશે એમ કહ્યું હતું. કેટલીક પાર્ટીને સેટલમેન્ટ તરીકે માલ પણ પાછો આપ્યો હોવાનું કહેવાય છે. અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘શુક્રવારે રાતે જેમના તેમની પાસેથી પૈસા કે માલ પાછો લેવાનો નીકળતો હતો એવા માર્કેટના ઘણાબધા વેપારીઓ તેમની ઑફિસે પહોંચી ગયા હતા અને ઉઘરાણી કરી હતી. કેટલાકે પાંચ-દસ ટકાનો નફો છોડીને મુદ્દલ પાછી આપવા માગણી કરી હોવાની માર્કેટમાં ચર્ચા છે.’
મહાલક્ષ્મી મંદિરની ગલીમાં આવેલા શીલા અપાર્ટમેન્ટમાં રહેતા સંજય શાહના ગઈ કાલે ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી છે.
આ બાબતે ‘મિડ-ડે’ દ્વારા તેમના ભાઈ અશેશ અને મેહુલ શાહ સાથે વાત કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ હાલ વાત કરી શકે એમ નથી એમ તેમણે જણાવ્યું હતું.

