નસરાપુરના રેપ-મર્ડર કેસ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આદેશ
દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જાતીય ગુનાઓના આરોપીઓ માટે પરોલ પ્રતિબંધિત કરવા માટે કડક કાયદાનો મુસદ્દો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જાતીય અત્યાચારના લગભગ ૯૦ ટકા ગુનાઓ વારંવાર કામચલાઉ પરોલ પર છૂટેલા ગુનેગારો જ આચરતા હોવાથી મુખ્ય પ્રધાને આ નિર્ણય લીધો હતો. તેમણે લૉ ઍન્ડ જુડિશરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી કાનૂની જોગવાઈઓ તૈયાર કરવા અને વહેલી તકે દરખાસ્ત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કૅબિનેટની બેઠક દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે નોંધ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન મુખ્ય પ્રધાન તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમ્યાન સમાન કાયદો ઘડવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ વર્ષ સુધી અમલમાં રહ્યા બાદ અદાલતોએ એને રદ કર્યો હતો. જાતીય ગુનાના કેસમાં લગભગ ૮૦થી ૯૦ ટકા આરોપીઓ એવા છે જેમની અગાઉ સમાન ગુનો આચરવા બદલ ધરપકડ કરવામાં આવી હોય અને પરોલ પર તેમને મુક્ત કરવામાં આવ્યા હોય. પરોલ પર છૂટ્યા બાદ આવા આરોપીઓ ફરી પાછા એવા જ ગુના કરે છે. આવા ગુનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ફડણવીસે કહ્યું હતું કે જાતીય ગુનાઓના આરોપીઓ માટે પરોલ પ્રતિબંધિત કાયદો પાછો લાવવો જોઈએ.
ADVERTISEMENT
પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં સાડાત્રણ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરીને તેની હત્યા કરવાના ગુનાહિત રેકૉર્ડ ધરાવતા ૬૫ વર્ષના આરોપીના તાજેતરના કેસને લઈને મુખ્ય પ્રધાને આ નિર્દેશ આપ્યા છે.
