તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હળાહળ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે : એનસીપીના પ્રધાનોને આજે ખાતાંની વહેંચણીની શક્યતા
૨૦૧૯માં શિવસેના અને ભાજપની યુતિની જાહેરાત થઈ હતી એ સમયની તસવીર. આશિષ રાજે
મુંબઈ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ૨૦૧૯માં શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવાનું માતોશ્રીમાં વચન આપ્યું હોવાનો દાવો ઉદ્ધવ ઠાકરે વારંવાર કરી રહ્યા છે અને થોડા દિવસે પહેલાં તેમણે પહોરાદેવીના શપથ પણ લીધા હતા. આ વિશે બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે હળાહળ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ એ સમયની શિવસેના સાથે યુતિની વાતચીત ચાલતી હતી. એક રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મને કહ્યું કે બધું બરાબર થઈ રહ્યું છે તો પણ બે દિવસ પહેલાં મેં અમિતભાઈ સાથે વાત કરી હતી અને તેમને વિનંતી કરી હતી કે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ મળવું જોઈએ. આ વાતના સંદર્ભમાં મેં ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે મને આવું કંઈ કહેવામાં નથી આવ્યું. એ સમયે રાતનો એક વાગ્યો હતો. અમિતભાઈને મેં ફોન કરીને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે કહે છે કે તમારી સાથે તેમની આ બાબતે વાત થઈ છે, તેઓ મુખ્ય પ્રધાનપદ ચાહે છે, હું કૉન્ફિડન્ટ નથી, તમે જ કહો શું કરવું છે. અમિતભાઈએ કહ્યું હતું કે તેમણે ઉદ્ધવ ઠાકરેને સ્પષ્ટ કહ્યું છે કે મુખ્ય પ્રધાનપદ બાબતે વર્ષોથી ફૉર્મ્યુલા નક્કી છે એટલે આ બાબતે કોઈ તડજોડ નહીં કરવામાં આવે; કેટલાંક ખાતાં તેમને જોઈતાં હોય તો આપીશું, વધુ પ્રધાનપદ પણ આપીશું; પણ મુખ્ય પ્રધાનપદ યુતિમાં વહેંચવામાં નહીં આવે; જો આવું ન થતું હોય તો વાતચીત બંધ કરી દો અને બાદમાં શું થાય છે એ કહેજો. મેં આ વાત ઉદ્ધવ ઠાકરેને કહી હતી. તેમણે જવાબ આપ્યો હતો કે તો યુતિ ટકાવવી મુશ્કેલ થશે. બાદમાં તેઓ તેમના ઘરે અને હું મારા ઘરે ગયો હતો.’
૨૦૧૯માં ત્રણ દિવસ બાદ શું થયું હતું એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ત્રણ દિવસ પછી એક મિડલમૅન મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ફરી ચર્ચા કરવા માગે છે. મેં કહ્યું હતું કે અમે અમારી વાત પર કાયમ છીએ એ માન્ય હોય તો ચર્ચા કરીશું. તેમણે આ વાત માન્ય રાખી હતી. તેમણે બાદમાં પાલઘર લોકસભાની બેઠક બીજેપીએ જીતી હતી એની માગણી કરી હતી. યુતિ ટકાવી રાખવા માટે બીજેપીના પાલઘરના કાર્યકરોને નારાજ કરીને એ બેઠક શિવસેનાને આપી હતી. બાદમાં યુતિ નક્કી થઈ હતી. એ પછી હું ફરી કહું છું કે બાળાસાહેબની જે રૂમમાં ચર્ચા થઈ હોવાની તેઓ વારંવાર વાતો કરે છે એ જ રૂમમાં ઉદ્ધવ ઠાકરે, અમિત શાહ અને હું હતા. કેટલોક સમય તેઓ રૂમમાં હતા. બાદમાં મને અંદર બોલાવવામાં આવ્યો હતો. બધી બાબતો નક્કી થઈ ગઈ હતી. અમે બંનેએ નક્કી કર્યું કે પત્રકાર પરિષદમાં હું એકલો બોલીશ. મરાઠીમાં મારે શું બોલવાનું છે એ સંભળાવીને બતાવ્યું, હિન્દીમાં પણ સંભળાવીને બતાવ્યું. બાદમાં રશ્મિ ઠાકરેની સામે પણ બોલીને બતાવ્યું. મારી સ્પીચ સાંભળીને રશ્મિ ઠાકરેએ મને યોગ્ય બોલ્યો હોવાનું કહ્યું હતું. પત્રકારો સમક્ષ શિવસેનાનું ખરાબ ન લાગે એવી રીતે બોલજો એમ કહેવામાં આવ્યું હતું. આથી પત્રકાર પરિષદમાં મેં ખૂબ જ સંયમથી રજૂઆત કરી હતી.’
ADVERTISEMENT
આજે ખાતાંની વહેંચણી?
બીજેપીના સહયોગથી રચવામાં આવેલી એકનાથ શિંદેની આગેવાનીની રાજ્ય સરકારમાં એનસીપીના અજિત પવાર સહિત ૯ નેતાઓની પ્રધાનપદે શપથવિધિ થયાને આજે ૧૨ દિવસ થઈ રહ્યા છે ત્યારે આ પ્રધાનોને આજે ખાતાંની વહેંચણી કરવામાં આવે એવી શક્યતા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે બપોરના સમયે બેઠક મળી હતી. આ બેઠકમાં એનસીપીના શપથ લેનારા પ્રધાનોને ખાતાંની વહેંચણી કરવા બાબતે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી આજે અજિત પવારને નાણાં અને સહકાર મંત્રાલયની સાથે તેમના સહયોગીઓને કેટલાંક ખાતાં સોંપવામાં આવી શકે છે. રાજ્યના પ્રધાનમંડળમાં હજી પણ ૧૩ જેટલાં ખાતાં ફાળવવાનાં બાકી છે એનો નિર્ણય ૧૭ જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર બાદ લેવામાં આવશે એમ ઠરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પ્રફુલ પટેલે બુધવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. બાદમાં અજિત પવાર મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે બપોરના સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર બીજા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ખાતાંની વહેંચણી અને પ્રધાનમંડળના વિસ્તરણ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આયોજિત કરેલી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક દોઢેક કલાક ચાલી હતી અને એમાં માત્ર ખાતાંની વહેંચણી કરવા બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અમિત શાહ સાથે ઔપચારિક મુલાકાત
રાજ્યમાં ખાતાંની વહેંચણી અને પ્રધાનમંડળના વિસ્તરણ બાબતે માથાપચ્ચી ચાલી રહી છે ત્યારે બુધવારે રાત્રે એનસીપીના નેતાની સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પ્રફુલ પટેલે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત લીધી હતી. રાજ્યસ્તરે ખાતાંની વહેંચણી અને પ્રધાનમંડળના વિસ્તરણનો મામલો ઘોંચમાં પડ્યો હોવાથી તેઓ અમિત શાહને મળ્યા હોવાની અટકળો લગાવાઈ હતી. જોકે પ્રફુલ પટેલે ગઈ કાલે સવારના દિલ્હીની મુલાકાત વિશે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારમાં સામેલ થયા બાદ અમે દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓને મળ્યા નહોતા. તેમની સાથે વાતચીત નહોતી થઈ એટલે અમારી તેમની સાથે એક ઔપચારિક બેઠક થઈ હતી. આ બેઠકમાં ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના પ્રધાનોને ખાતાંની વહેંચણી કે પ્રધાનમંડળના વિસ્તરણ વિશે કોઈ વાતચીત નહોતી થઈ. રાજ્ય સરકારમાં સહયોગી પક્ષો સાથે આ બાબતે કોઈ વિવાદ નથી. ખાતાંની વહેંચણી કે પ્રધાનમંડળના વિસ્તરણ બાબતનો બધાએ સાથે બેસીને નિર્ણય લીધો છે.’
ઠાકરે જૂથના હાથમાંથી વિધાન પરિષદનું વિરોધી પક્ષ પદ જશે
રાજ્યની વિધાન પરિષદમાં વિરોધી પક્ષનું પદ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે હતું. જોકે પહેલાં મનીષા કાયંદે અને હવે વિધાન પરિષદનાં ઉપસભાપતિ નીલમ ગોર્હે એકનાથ શિંદે જૂથમાં જોડાતાં ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાન પરિષદના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે તેમના કરતાં કૉન્ગ્રેસના સભ્યોની સંખ્યા વધુ છે એટલે કૉન્ગ્રેસના નેતા અભિજિત વંજારીએ આ પદ માટે દાવો કર્યો છે. ૧૭ જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં વિધાનસભામાં એનસીપીની સાથે વિધાન પરિષદમાં પણ વિરોધી પક્ષનું પદ ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી પણ છીનવાઈ જવાની શક્યતા છે.
કૃષિપ્રધાન અબ્દુલ સત્તારનું પ્રધાનપદ જશે?
એકનાથ શિંદે જૂથના રાજ્યના કૃષિપ્રધાન અબ્દુલ સત્તારનું પ્રધાનપદ જોખમમાં મુકાવાની શક્યતા છે. ચૂંટણી વખતે તેમણે સોગંદનામામાં ખોટી માહિતી આપી હોવાનો આરોપ થયા બાદ સિલ્લોડના. ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ મીનાક્ષી એમ. ધનરાજે તેમની સામે સીઆરપીસીની કલમ ૨૦૪ અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સિલ્લોડના સામાજિક કાર્યકર મહેશ શંકરલાલ શંકરપેલ્લી અને પુણેના ડૉ. અભિષેક હરિદાસે અબ્દુલ સત્તારના વિરોધમાં ૨૦૨૧માં કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અબ્દુલ સત્તારે ૨૦૧૪ અને ૨૦૧૯માં યોજવામાં આવેલી સિલ્લોડ અને સોયગાંવ વિધાનસભા ચૂંટણી વખતે સોગંદનામામાં ખેતીની જમીન, વેપારી સંકુલ, નિવાસી ઇમારત અને પોતાના શિક્ષણ સંબંધિત માહિતી છુપાવી
હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો. કોર્ટના આ આદેશથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુશ્કેલી વધી શકે છે અને તેમણે અબ્દુલ સત્તાર બાબતે જવાબ આપવો પડશે.


