ઉદ્ધવ ઠાકરે મુસ્લિમોના મત મેળવવા માટે કૉન્ગ્રેસ કરતાં પણ વધુ પ્રયાસ કરી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં હવે છેલ્લા તબક્કામાં સોમવારે મતદાન થવાનું છે ત્યારે મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે એક મરાઠીન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો દ્વારા લોકોમાં ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. પહેલાં દલિતોને બંધારણ બદલવામાં આવશે એનો ડર બતાવવામાં આવ્યો અને બાદમાં બીજા સમાજોમાં પણ આવો જ ડર ઊભો કરવામાં આવ્યો. જોકે વિરોધીઓની આ ચાલ સફળ નહીં થાય. મરાઠી મતદારો અમારી સાથે છે. મરાઠવાડાના કેટલાક જિલ્લામાં જાતીય ધ્રુવીકરણ જોવા મળ્યું જે મહારાષ્ટ્ર માટે યોગ્ય નથી. સમાજમાં વિભાજન કરવામાં આવ્યું એ પણ કમનસીબી છે. મુંબઈની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરેના ધ્યાનમાં આવ્યું છે કે મરાઠી મત પહેલાંની જેમ તેમની સાથે નથી રહ્યા. અમે એકલા ચૂંટણી લડ્યા તો પણ અમારી જગ્યા વધુ આવી. આથી મરાઠી મતદારો BJP સાથે જ છે અને નરેન્દ્ર મોદીના નામથી તેઓ મતદાન કરશે. મરાઠી મતોની ખોટ પૂરી કરવા માટે ઉદ્ધવ ઠાકરે મુસ્લિમોના મત મેળવવા માટે કૉન્ગ્રેસ કરતાં પણ વધુ પ્રયાસ કરી રહ્યા છે.’