ફિલ્મોની જેમ રાજકારણમાં પણ સફળતા મળશે એવો આશાવાદ વ્યક્ત કરીને કંગના રનૌતે કહ્યું...
કંગના રનૌતે ગઈ કાલે મમ્મી આશા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી.
લીલા રંગની સાડી અને માથા પર હિમાચલી કૅપ પહેરીને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતદારસંઘમાં ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઉમેદવાર કંગના રનૌતે ગઈ કાલે ઉમેદવારી નોંધાવી હતી અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ફિલ્મોની જેમ રાજકારણમાં પણ તેને સફળતા જરૂર મળશે.
ઉમેદવારી નોંધાવતી વખતે તેની સાથે તેની મમ્મી આશા રનૌત, બહેન રંગોલી રનૌત અને પાર્ટીના નેતા જયરામ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કંગનાએ કહ્યું હતું કે ‘મેં ઉમેદવારી નોંધાવી દીધી છે અને મંડીમાંથી લડવું એ મારા માટે ગર્વની વાત છે. હું બૉલીવુડમાં સફળ રહી છું અને આશા રાખું છું કે રાજકારણમાં પણ મને સફળતા મળશે.’
ADVERTISEMENT
મંડીના લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે એમ જણાવીને કંગનાએ ઉમેર્યું હતું કે ‘દેશમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની હાજરીની નોંધ લેવાઈ રહી છે પણ મંડીમાં બાળકીઓની હત્યાના કેસ છેલ્લાં થોડાં વર્ષમાં વધી ગયા છે. આજે મંડીની દીકરીઓ આર્મી, શિક્ષણ અને રાજકારણમાં આવી ચૂકી છે.’
‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે ચૂંટણીસભાને સંબોધતાં કંગનાએ વડા પ્રધાન મોદીનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘૨૦૨૯માં ૬૮ વિધાનસભ્યો ધરાવતી હિમાચલ પ્રદેશની વિધાનસભામાં બાવીસ મહિલાઓ હશે. એ માટે વડા પ્રધાન મોદીનો આભાર માનવો જોઈએ, કારણ કે તેમણે ૩૩ ટકા મહિલા આરક્ષણનો કાયદો બનાવ્યો છે. વડા પ્રધાને કાશીમાંથી અને મેં છોટા કાશી (મંડી)માંથી ઉમેદવારી નોંધાવી છે.’ સ્થાનિક લોકો સાથે નાતો બાંધવા માટે કંગનાએ કહ્યું હતું કે મંડીના લોકોના આશીર્વાદ છે કે અહીંની છોકરી બૉલીવુડમાં પણ સંઘર્ષ કર્યા પછી નામના કમાઈ છે.
રાજવી વિરુદ્ધ ઍક્ટ્રેસ
મંડી લોકસભા મતદારસંઘમાં કૉન્ગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ છે જે સ્થાનિક રાજવી પરિવારના મેમ્બર છે. બીજી તરફ BJPની ઉમેદવાર એક ઍક્ટ્રેસ છે. વિક્રમાદિત્ય વિધાનસભ્ય છે. આ બેઠકનાં હાલનાં સંસદસભ્ય પ્રતિભા સિંહ છે જેઓ વિક્રમાદિત્યનાં મમ્મી છે. તેઓ આ બેઠક પર ત્રણ વાર જીત મેળવી ચૂક્યાં છે. વિક્રમાદિત્યના પપ્પા વીરભદ્ર સિંહ આ બેઠક પર ૬ વાર સંસદસભ્ય રહી ચૂક્યા છે. આમ આ બેઠક પર રાજવી પરિવારનો દબદબો રહ્યો છે. બીજી તરફ કંગના રનૌત શિમલાથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા હમીરપુર નજીકના ભામ્બલા ગામની વતની છે અને ત્યાં તેનો એક સુંદર કૉટેજ છે. મંડી બેઠકમાં કુલુ, મંડી અને ચંબા તથા શિમલા જિલ્લાના કેટલાક હિસ્સાનો સમાવેશ છે. અહીં ૧ જૂને મતદાન થશે.

