Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરા ટર્મિનસથી ચંડીગઢની ટિકિટ કેમ કઢાવી? પોતે કઢાવી કે પછી બીજા કોઈએ?

બાંદરા ટર્મિનસથી ચંડીગઢની ટિકિટ કેમ કઢાવી? પોતે કઢાવી કે પછી બીજા કોઈએ?

Published : 02 April, 2026 07:12 AM | Modified : 02 April, 2026 09:15 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મસ્જિદ બંદર જવા વિરારના ઘરેથી નીકળેલા નીર છાડવાનો મૃતદેહ વડોદરા પાસેના વિશ્વામિત્રી સ્ટેશન નજીક મળી આવ્યો એ પછી તેના ખિસ્સામાંથી મળેલી ટિકિટે ઘણા સવાલ ઊભા કર્યા છે

નીર છાડવાના ખિસ્સામાંથી મળેલી બાંદરા ટર્મિનસથી ચંડીગઢની ટિકિટ.

નીર છાડવાના ખિસ્સામાંથી મળેલી બાંદરા ટર્મિનસથી ચંડીગઢની ટિકિટ.


મસ્જિદ બંદરના કટલરી બજારના ૨૬ વર્ષના યુવાન વેપારી નીર છાડવાના ખિસ્સામાંથી બાંદરા ટર્મિનસથી ચંડીગઢ જવાની ટ્રેનની ટિકિટ મળતાં તેના પરિવારના સભ્યો માટે તેનું મૃત્યુ વધુ રહસ્યમય બની ગયું છે. સોમવારે સવારે મસ્જિદ બંદરની દુકાને જવા વિરારથી નીકળેલા નીર છાડવાએ ચંડીગઢ જવાનો પ્લાન કેમ બનાવ્યો એ સવાલ તેના પરિવારને મૂંઝવી રહ્યો છે. સોમવારે રાતે નીરની ડેડબૉડી વડોદરા પાસેના વિશ્વામિત્રી રેલવે-સ્ટેશનના ટ્રૅક પાસેથી રેલવે-પોલીસને મળી હતી.

અમારા માટે નવાઈની વાત એ છે કે નીરને ઘરમાં કે તેની દુકાનમાં કોઈ સાથે વાદવિવાદ થયો નથી એમ જણાવતાં તેના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરેથી સવારે ૮.૩૦ વાગ્યે નીકળ્યા પછી નીરનો મોબાઇલ ફોન ઘણા લાંબા ‌સમય સુધી સ્વિચ્ડ-ઑફ રહ્યો હતો. વડોદરાની રેલવે-પોલીસે અમને તેના રેલવે-અકસ્માતના સમાચાર આપ્યા હતા. ત્યાર પછી અમને તેના ખિસ્સામાંથી બાંદરાટર્મિનસથી ચંડીગઢ જવાની ટિકિટ પોલીસને મળી હોવાની માહિતી મળી હતી. અમારાં કોઈ સગાં ચંડીગઢમાં રહેતાં નથી કે નથી તેના કોઈ વેપારી ત્યાં રહેતા. તો પછી નીરે સવારે ૧૦.૩૦ વાગ્યે બાંદરાથી ચંડીગઢની રેલવે-ટિકિટ કેમ કઢાવવી પડી? શું એ ટિકિટ નીરે જ કઢાવી છે કે અન્ય કોઈએ? અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. નીર તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો હોવાથી અમે સૌ ચિંતિત છીએ કે તેનો સાચે જ અકસ્માત થયો છે કે તેની સાથે કોઈ અણબનાવ બની ગયો છે?’



વડોદરા રેલવે-પોલીસના તપાસ-અધિકારીએ આ ઘટના બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૯.૧૫ વાગ્યાની આસપાસ દહાણુથી પંજાબ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના લોકોમૅન તરફથી અમને જાણકારી મળી હતી કે વિશ્વામિત્રી સ્ટેશનના ટ્રૅક પાસે કોઈ યુવાનની ડેડબૉડી પડી છે. અમે તરત જ ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં જે જગ્યાએથી ડેડબૉડી મળી હતી એ જગ્યા ઍક્સિડન્ટ-સ્પૉટ હોવાથી અમે નીર છાડવાનું ઍક્સિડન્ટલ-ડેથ થયું હોવાની જ નોંધ કરી છે. ડેડ-બૉડી લેવા આવેલા નીરના કાકા કે અન્ય કોઈ રિલેટિવે અમારી સામે કોઈ જ પ્રકારની અણબનાવની શંકા દર્શાવી નહોતી એટલે અમે તેમને અંતિમસંસ્કાર માટે કાયદાકીય વિધિ કરીને ડેડબૉડી સોંપી દીધી હતી. આમ છતાં તેમને નીરના મૃત્યુમાં કોઈ પણ શંકા લાગતી હોય તો અમે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ કરવા તૈયાર છીએ.’


 

 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 09:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK