અદાણીના કેબલના કામ દરમ્યાન બીએમસીની પાણીની પાઇપલાઇન ફૂટવાથી લાખો લિટર પાણી વેડફાયું અને પાંચ કલાકે રિપેરિંગ થયું
દહિસરમાં પાણીની પાઇપલાઇનને નુકસાન થતાં રસ્તા પર પાણી વેડફાયેલું જોવા મળ્યું હતું.
મુંબઈ મેટ્રોના કામ દરમિયાન ડ્રિલિંગ કરતી વખતે અંધેરી-ઈસ્ટમાં પાઇપલાઇનને નુકસાન થતાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું. એને કારણે અનેક પરાંમાં પાણીના ધાંધિયા થઈ ગયા હોવાથી લોકોની કફોડી હાલત થઈ ગઈ હતી. જોકે અંધેરી બાદ ગઈ કાલે દહિસર-ઈસ્ટમાં પણ અદાણીના કેબલનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં પાઇપલાઇનને નુકસાન થતાં લાખો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું. દહિસર ટોલનાકા પાસે આવેલા સબવેમાં પણ પાણી જમા થતાં પીક-અવર્સમાં વાહનોની અવરજવર કરવી મુશ્કેલ બની હતી. બીએમસીની ટીમે પાણીપુરવઠો બંધ કરીને તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચ કલાકે રિપેરિંગ પૂરું થયું હતું.
અંધેરીમાં પાઇપલાઇન ફૂટતાં અને એને રિપેરિંગ કરવા સુધી લોકોને લગભગ ૬૦ કલાક સુધી પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પાણી મેળવવા લોકોએ ભાગદોડ કરી મૂકી હતી. બીએમસીની ટીમે સમારકામ કરીને લોકોને ફરી પાણીની સુવિધા પૂરી પાડી હતી. જોકે અનેક ભાગોમાં ઓછા દબાણમાં પાણીપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પાણીની પાઇપલાઇનનું સમારકામ આશરે ૫૦થી ૬૦ કલાક પછી પૂરું થયું હતું. હજી તો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે દહિસરમાં પણ અદાણીના કેબલ નાખવાના કામ વખતે અચાનક જ ગઈ કાલે સવારે બીએમસીની પાણીની પાઇપલાઇને નુકસાન થયું હતું. એને કારણે દહિસર ઈસ્ટ-વેસ્ટ એક્સપ્રેસવે પર પુલ નીચે પાણી જમા થઈ ગયું હતું. પાઇપલાઇન ફાટવાને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
ADVERTISEMENT
સ્થાનિક વૉર્ડ ઑફિસના પાણી વિભાગના અધિકારી નીતિન અમલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે દસ વાગ્યે દહિસર-ઈસ્ટના કેતકીપાડા ભાગમાં પાઇપલાઇન ફૂટતાં તાત્કાલિક કામ હાથ ધરીને બીએસસીએ પાણીપુરવઠો બંધ કરીને સમારકામની કામગીરી શરૂ કરી હતી. બપોરે ત્રણ વાગ્યે એટલે કે પાંચ કલાક સતત રિપેરિંગ હાથ ધરાયું હતું. દહિસર પાઇપલાઇનનું સમારકામ થઈ જતાં સાંજે લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.’