દાદરની આઇડિયલ ગલીમાં નયન ફાઉન્ડેશન દ્વારા જોઈ ન શકતાં યુવક-યુવતીઓ માટે દહીહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું
નયન ફાઉન્ડેશન ગોવિંદા પથકના યુવકોએ ચાર થર રચ્યા હતા, જ્યારે યુવતીઓએ ત્રણ થરની શાનદાર સલામી આપી હતી
દાદરની આઇડિયલ ગલીમાં નયન ફાઉન્ડેશન દ્વારા જોઈ ન શકતાં યુવક-યુવતીઓ માટે દહીહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. નયન ફાઉન્ડેશન ગોવિંદા પથકના યુવકોએ ચાર થર રચ્યા હતા, જ્યારે યુવતીઓએ ત્રણ થરની શાનદાર સલામી આપી હતી. જોઈ ન શકતાં યુવકોએ T20 વર્લ્ડ કપના ભારતીય વિનિંગ ટીમના કૅપ્ટન રોહિત શર્માના ચહેરોનો માસ્ક પહેર્યો હતો, જ્યારે યુવતીઓએ કલકત્તા અને બદલાપુરની ઘટનાનો વિરોધ નોંધાવવા હાથમાં પ્લૅકાર્ડ્સ રાખ્યાં હતાં.
જોઈ ન શકતાં યુવક–યુવતીઓ દ્વારા દહીહંડી ફોડવાનું નયન ફાઉન્ડેશન ગોવિંદા પથકનું ૧૧મું વર્ષ છે. માટુંગા સેન્ટ્રલની રુઇયા કૉલેજની સામેના ગ્રાઉન્ડમાં તેમની પ્રૅક્ટિસ યોજાય છે. ૨૦૧૩માં પહેલી વાર પ્રજ્ઞાચક્ષુ યુવકોને આ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. એ પછી ૨૦૧૭માં પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ પણ દહીહંડી ફોડવાનું ચાલુ કર્યું હતું. નયન ફાઉન્ડેશન દહીહંડી પથકને જે રકમ બિક્ષસમાં મળે છે એમાંનો એક ભાગ દહીહંડીમાં ભાગ લેનારા પ્રજ્ઞાચક્ષુઓમાં સરખા ભાગે વહેંચવામાં આવે છે અને બીજા ભાગમાંથી તેમને હિલ સ્ટેશન ફરવા લઈ જવાય છે.
ADVERTISEMENT
નયન ફાઉન્ડેશનના પ્રમુખ પોન્ન અલગર દેવેન્દ્રએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે ગુરુપૂર્ણિમાથી પ્રૅક્ટિસ શરૂ કરીએ છીએ. રોજ બે કલાકનું પ્રૅક્ટિસ-સેશન હોય છે. પ્રજ્ઞાચક્ષુ
યુવક-યુવતીઓ માનવ-પિરામિડ રચીને ગોવિંદાનો આનંદ લે છે એ જ અમારા માટે મહત્ત્વનું છે.’


