ક્રિપ્ટોકરન્સી રાખવા માટેના ડિજિટલ લેજરનો ઉપયોગ કરનારાઓને છેતરવા માટે કૌભાંડીઓ હવે ફિઝિકલ વસ્તુ એટલે કે પત્રનો ઉપયોગ કરવા લાગ્યા છે
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી રાખવા માટેના ડિજિટલ લેજરનો ઉપયોગ કરનારાઓને છેતરવા માટે કૌભાંડીઓ હવે ફિઝિકલ વસ્તુ એટલે કે પત્રનો ઉપયોગ કરવા લાગ્યા છે. સંબંધિત લેજરનું બ્રૅન્ડિંગ અને લોગો તથા સરનામું ધરાવતો પત્ર મોકલીને ડિજિટલ ઍસેટના રોકાણકારોને છેતરવા માટે ચાલી રહેલા આ કૌભાંડ વિશે હાલમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડર જેકબ કેનફીલ્ડે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ – ઍક્સ પર મૂકેલી પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે.
જેકબે જણાવ્યા મુજબ કૌભાંડીઓએ ગઈ ચોથી એપ્રિલે પત્ર લખ્યો હતો જેમાં રોકાણકારોને એમના ડિજિટલ વૉલેટનો રિકવરી ફ્રેઝ દાખલ કરવા માટે ક્યુઆર કોડ સ્કૅન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વૉલેટને ચાલુ રાખવું હોય તો કોડ સ્કૅન કરવો જરૂરી છે. જો એમ કરવામાં નહીં આવે તો વૉલેટ અને એમાંના ફન્ડનો ઉપયોગ નહીં કરી શકાય. યુઝરની ઍસેટનું રક્ષણ કરવા માટે આ જરૂરી છે, એવું પત્રમાં ઉમેરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જેકબનું માનવું છે કે જુલાઈ ૨૦૨૦માં ડિજિટલ યુઝર્સના ડેટાની ચોરી થઈ હતી અને એ વખતે ચોરવામાં આવેલી માહિતીના આધારે લોકોને પત્ર મોકલવામાં આવ્યો છે. એ વખતે આશરે ૨,૭૨,૦૦૦ યુઝર્સનાં નામ, ફોન નંબર તથા પોસ્ટલ ઍડ્રેસ લીક થયાં હતાં. જે લેજરના નામે પત્ર મોકલવામાં આવ્યો હતો એ લેજરે સત્તાવાર રીતે જણાવ્યું છે કે પત્ર એણે મોકલ્યો નથી, પરંતુ એ એક કૌભાંડ છે. લેજર આવી રીત ક્યારેય કોઈને રિકવરી ફ્રેઝ માટે પૂછશે નહીં, એવું લેજરના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડાનું વલણ હતું. માર્કેટકૅપમાં ૧.૬૨ ટકા ઘટાડો થયો હતો. બિટકૉઇનમાં ૦.૮૭ ટકા, ઇથેરિયમમાં ૨.૫૯ ટકા, એક્સઆરપીમાં ૫.૦૭ ટકા અને સોલાનામાં ૩.૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


