આવતી કાલે દહીહંડીમાં મટકી ફોડવા માનવ-પિરામિડ બનાવનારાઓની સલામતીનું રાજ્ય સરકારે રાખ્યું ધ્યાન
મટકી ફોડવાની પ્રૅક્ટિસ કરી રહેલા ગોવિંદાઓની ફાઇલ તસવીર. (તસવીર : અતુલ કાંબળે)
આવતી કાલે દહીહંડીમાં મટકી ફોડવા માટે માનવ-પિરામિડ બનાવતી વખતે ગોવિંદા પટકાય તો તેની સલામતી માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ક્રેન, દોરી અને સેફ્ટી હુક પૂરા પાડવાનો આદેશ મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશોત્સવ માટે BMC ખર્ચ કરી રહી છે તો ગોવિંદા પથકોની સલામતીની વ્યવસ્થા પણ કરવી જોઈએ એમ પાલક પ્રધાને કહ્યું હતું. BMCના દરેક પ્રભાગમાં દહીહંડી વખતે ક્રેન, દોરી અને સેફ્ટી હુકની વ્યવસ્થા કરવા માટેનો આદેશ મળ્યા બાદ BMC દ્વારા આવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. દહીહંડી ફોડવા માટે માનવ-પિરામિડ ગોવિંદ પથક બનાવે ત્યારે ઉપરના ત્રણ થરમાં હોય છે એ ગોવિંદાઓને સૌથી વધુ જોખમ હોય છે એટલે તેમને સેફ્ટી હુક બાંધવામાં આવે તો જીવનું જોખમ નહીં રહે. દીપક કેસરકરે કહ્યું હતું કે આ વર્ષે BMC શક્ય હોય એટલી જગ્યાએ સલામતીની વ્યવસ્થા કરે અને આવતા વર્ષે વધુ ને વધુ મંડળોમાં આવી વ્યવસ્થા પૂરી પાડે એ માટેના પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ.


