Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભપકા આઉટ, સાદાઇ ઇન

ભપકા આઉટ, સાદાઇ ઇન

09 January, 2022 10:46 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

આ છે લગ્નો પર થર્ડ વેવની ઇફેક્ટ : ફર્સ્ટ અને સેકન્ડ વેવની જેમ કમુરતાં પછી જેમના ઘરમાં લગ્ન છે એ પરિવારો મૅરેજ પોસ્ટપોન્ડ કરવાં કે વેઇટ ઍન્ડ વૉચના વલણને બદલે નક્કી કરેલી તારીખે સાદાઈથી લગ્ન કરવાની તૈયારીમાં લાગી ગયા છે

ઝંખના ગોસલિયા ફિયાન્સે સાથે

ઝંખના ગોસલિયા ફિયાન્સે સાથે


મુંબઈમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરાયા છે. આ પ્રતિબંધોને કારણે સૌથી વધુ અકળામણમાં ૧૪ જાન્યુઆરી બાદ શરૂ થનારા લગ્નપ્રસંગો ધરાવતા પરિવારજનો છે. જોકે કોરોનાની અગાઉની બે લહેરોની જેમ આ વખતે પરિવારજનો એટલી મૂંઝવણમાં નથી કે શું કરવું. જોકે એ ચોક્કસ છે કે મન મારીને સરકારની ગાઇડલાઇન્સ ફૉલો કરવા માટે તેઓ મજબૂર છે. એ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પહેલી અને બીજી લહેરમાં છેલ્લી ઘડી સુધી લોકો રાહ જોતા હતા કે લગ્નમાં કરવું શું કે સરકાર થોડી કંઈક રાહત આપશે. જોકે કોરોનાના અનુભવે લોકોને સમજુ બનાવી દીધા હોય એ રીતે તેઓ લગ્ન પોસ્ટપોન કરવાની જગ્યાએ સરકારને સાથ આપીને ઓછા માણસો સાથે સાદાઈથી અને કોઈ ભપકો કર્યા વગર મૅરેજની તૈયારી કરી રહ્યા છે. ‘મિડ-ડે’એ જેમના પરિવારમાં આગામી દિવસોમાં લગ્નનો પ્રસંગ છે એવા મુંબઈના અમુક પરિવારો સાથે વાતચીત કરી હતી.

કાર્યક્રમ કૅન્સલ કરવાનું ખરાબ લાગી  રહ્યું છે, પણ સુરક્ષા વધુ મહત્ત્વની



કોરોનાનું સંકટ વધી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરાયા છે ત્યારે જે લોકોએ પોતાના વહાલા દીકરા કે દીકરીનાં લગ્નની બધી તૈયારીઓ કરી લીધી છે તેઓ ‘‘મિડ-ડે’ સમક્ષ વર્ણવે છે તેમની વ્યથા


કોને બોલાવીએ અને કોને નહીં એની મૂંઝવણમાં

દાદરના પ્રભાદેવીમાં રહેતા દીપક વાઘેલાએ જણાવ્યું હતું કે ‘૨૬ જાન્યુઆરીએ મારા નાના ભાઈ ધીરજ વાઘેલાનાં લગ્ન છે એટલે બધી જ તૈયારીઓ, હૉલનું બુકિંગ બધું જ થઈ ગયું છે. અમારા તરફથી ૨૦૦ ​પત્રિકા છપાવી લીધી છે. ઢોલથી લઈને કેટરર્સ વગેરેનું ઍડ્વાન્સ બુકિંગ કરી નાખ્યું છે. જોકે હવે સરકારના નિયમ અને કોરોનાની વધતી સ્પીડને કારણે લગ્નપ્રસંગ વખતે શું કરવું એ વિચારમાં આવી ગયા છીએ.  લગ્નમાં સંબંધીઓનું લિસ્ટ બનાવીને એ પ્રમાણે પ​ત્રિકાની અને અન્ય વ્યવસ્થા કરી રાખી હતી. જોકે હવે લગ્નમાં કોને બોલાવવા અને કોને નહીં એ ચિંતાનો વિષય બન્યો છે.’


હોંશે-હોંશે તૈયારી કરી, હવે હાથ પર હાથ રાખીને બેઠા છીએ

મુલુંડમાં ચેકનાકા પાસે રહેતાં પ્રીતિ મહેશ છેડા અને તેમનો પરિવાર હાલમાં અસમંજસમાં જોવા મળી રહ્યાં છે. ચોથી ફેબ્રુઆરીએ મારા એકના એક દીકરાનાં લગ્ન છે અને મહિનાઓથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એમ કહેતાં પોતાની ચિંતા વ્યક્ત કરતાં પ્રીતિબહેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એકના એક દીકરા ચિંતનનાં લગ્ન હોવાથી હું અને અમારો આખો પરિવાર એટલી હોંશે-હોંશે તૈયારીઓ કરી રહ્યાં હતાં કે વાત ન પૂછો. લગ્નની બધી તૈયારીઓ કરી નાખી છે કે લગ્નના દિવસની જ રાહ જોવાઈ રહી હતી. લગ્ન માટે ૪૦૦ જણ સમાય એવી વાડી પણ ઍડ્વાન્સ આપીને બુક કરાવી લીધી છે. બ્યુટિશ્યન, મેંદી ઉપરાંત બધાના દરેક પ્રોગ્રામ માટે અનેક કપડાં જેવી નાની-મોટી બધી જ તૈયારીઓ કરી લીધી છે. કાર્ડ પણ છપાઈ ગયાં છે અને એને આપવાની શરૂઆત પણ કરવાના હતા. જોકે સરકારે જાહેર કરેલા નિયમો અને કોરોનાનો વધતો ગ્રાફ અવરોધ બનીને ઊભા રહ્યા હોવાથી અમારાં બધાં અરમાન તૂટી ગયાં છે. તૈયારીઓમાં વપરાયેલા પૈસા પાણીમાં ગયા હોય એવું અનુભવ કરી રહ્યા છીએ. વાડીવાળાને પૂછતાં તેણે ૧૫ જાન્યુઆરી પછી જ કંઈ કહેવાશે એવું કહે છે. જે હિસાબે કેસ વધી રહ્યા છે એ જોતાં આગામી દિવસોમાં શું કરવું એ સમજવું અઘરું છે. શું કરવું એ પ્રશ્ને અમારી ઊંઘ ઉડાડી દીધી છે. ૧૦૦-૧૦૦ જણને પણ અલાઉડ કરાય તો કંઈ તો કરી શકાય. અમે તો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરીને જ લગ્ન પાર પાડીશું. ઘરે લગ્નની મીઠાઈ પણ આવવા લાગી છે ત્યારે અમને જ ખબર નથી કે એ વખતે શું સ્થિતિ હશે.’

બધા કાર્યક્રમો રદ કરીને ફક્ત સાદાઈથી લગ્ન

 કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે સતર્ક રહેવું જરૂરી છે એટલે મીરા રોડમાં મોટા ભાઈની દીકરીનાં આયોજિત લગ્નમાં બદલાવ કરવામાં આવ્યો છે એમ જણાવતાં અતુલ ગોસલિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મીરા રોડના શાંતિનગરના સેક્ટર નંબર-બેમાં મારા મોટા ભાઈ દિલીપ ગોસલિયાની દીકરી ઝંખનાનાં ૨૪ જાન્યુઆરીએ લગ્ન છે. બાવીસ જાન્યુઆરીએ મેંદી અને ૨૩મીએ દાંડિયારાસનો પ્રોગ્રામ હતો. ત્યાર બાદ ૨૪મીએ લગ્ન અને રિસેપ્શન એવો આખો પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો. ભાઈંદર-વેસ્ટના મૅક્સસ મૉલનો બૅન્ક્વેટ હૉલ લગ્ન માટે બુક કરી દીધો છે તેમ જ કેટરર્સથી લઈને અન્ય તૈયારીઓ મોટા ભાગે કરી લીધી છે. અલગ-અલગ પ્રસંગો માટે કપડાંથી લઈને વિવિધ તૈયારીઓ પણ કરી લીધી છે. ઘરમાં લગ્નનો પહેલો પ્રસંગ અને એ પણ દીકરીનો એટલે બધા ખૂબ જ ઉત્સાહિત છે. લગ્ન માટે બુકિંગ કર્યું ત્યારે પ્રતિબંધ નહોતો, પણ હવે અચાનક કેસ વધવા લાગ્યા છે અને ૫૦ જણની પરવાનગીનો પ્રતિબંધ આવી ગયો છે. એથી સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવા અમે મેંદી, દાંડિયારાસ અને એની સાથે રિસેપ્શનનો પ્રોગ્રામ કૅન્સલ કરી નાખ્યો છે. હવે ફક્ત લગ્ન કરીશે અને એ પણ પરિવારમાંથી એક કે બે જણને આમં​ત્રિત કરાશે. બન્ને પક્ષ દ્વારા ૨૦૦-૨૦૦ પત્રિકા પણ છપાઈ ગઈ છે, કેટરર્સને ઍડ્વાન્સ પૈસા પણ અપાઈ ગયા છે. હૉલવાળો પણ ૫૦ આવે કે ૨૦૦ આવે એનું ભાડું તો ઓછું કરવાનો નથી. કાર્યક્રમ રદ કરતાં થોડું ખરાબ તો લાગી રહ્યું છે, પણ આપણી અને આપણા લોકોની સુરક્ષા પણ મહત્ત્વની છે.’

ફક્ત સિદ્વિચક્ર મહાપૂજન અને ડિજિટલ લગ્નસમારોહ કરીશું

દીકરીનાં લગ્ન માટે ખૂબ ઉત્સાહભેર તૈયારીઓમાં આખો પરિવાર લાગી ગયો હતો, પણ હાલમાં તો કોરોનાને કારણે શૉપિંગ કરવા પણ જવાય એમ નથી, કારણ કે એમ થાય કે લગ્નના થોડા દિવસ બાકી છે અને પૉઝિટિવ આવ્યા તો શું થશે એવી ચિંતા વ્યક્ત કરતાં ભાઈંદર-વેસ્ટના દેવચંદનગરમાં રહેતા પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરમાં લગ્નપ્રસંગનું છેલ્લું કામ હોવાથી એ સારી રીતે કરવા માટે પરિવારજનો તૈયારીઓ કરી રહ્યા હતા. દીકરીનાં લગ્ન હોવાથી તેની ઇચ્છા પ્રમાણે શૉપિંગ અને વસ્તુઓ ખરીદવી છે. કોરોનાના કેસ વધવા લાગ્યા હોવાથી શૉપિંગ કરવા જવામાં પણ ચિંતા થઈ રહી છે. ૨૭ જાન્યુઆરીએ ભાઈંદરમાં લગ્નનું આયોજન કર્યું છે, પણ કોરોનાના કેસ ખૂબ વધી જતાં શું કરવું એમ થઈ રહ્યું હતું. જોકે ત્યાર બાદ બન્ને પક્ષે શાંતિથી બેસીને વિચાર કર્યો અને લગ્નમાં સરકારી ગાઇડલાઇન્સના પ્રમાણે જ ચાલવાનું નક્કી કર્યું છે. બીજા કાર્યક્રમો યોજવાને બદલે અમે સિદ્વિચક્ર મહાપૂજનનું આયોજન રાખ્યું છે. આ કાર્યક્રમ અમે પહેલાં ૨૩ જાન્યુઆરીના રાખ્યો હતો, પણ એ વખતે વધુ કેસ આવ્યા અને ૫૦ જણની પણ પરવાનગી આપવામાં ન આવી તો શું એ વિચારે મહાપૂજનનો કાર્યક્રમ ૧૫ જાન્યુઆરીએ કરવાનું નક્કી કર્યું છે. ઉપરાંત જે લોકોને પૂજનમાં બોલાવીશું તેમને લગ્નમાં નહીં, એમ કરીને ઍડ્જસ્ટ કરીશું. લગ્ન ડિજિટલ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. એટલે કે લગ્નના હૉલમાં પ્રોજેક્ટર લગાડીને ઘરમાં બેસેલા લોકો લગ્નસમારોહ જોઈ શકે એવું કંઈક કરવાના છીએ. આ ઉપરાંત પરિવારની નજીકના સંબંધીઓ હોય તેમના ઘરે લાડવાનું પૅકેટ આપીને તેમની ક્ષમા માગવા પણ જવાનો વિચાર છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2022 10:46 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK