જોકે કોર્ટે જીવદયાપ્રેમીઓને પૂછ્યું કે તમારી પાસે પુરાવા છે કે કબૂતરો માનવસ્વાસ્થ્ય માટે જોખમી નથી? નાગરિકોએ કબૂતરોને ખવડાવવાનો શોખ બનાવી દીધો છે અને એને પણ નિયંત્રિત કરવાની જરૂર છે એમ કહીને અદાલતે હવે પછીની સુનાવણી ૭ ઑગસ્ટે રાખી
ઘાટકોપર-ઈસ્ટમાં મુક્તપણે ચણી રહેલાં કબૂતરો.
જીવદયાપ્રેમીઓ અને મુંબઈ મહાનગરપાલિકા વચ્ચે કબૂતરખાનાના મુદ્દે મુંબઈ હાઈ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકા કબૂતરોની ચરકથી જ શ્વસનસમસ્યાઓ થાય છે એ બાબતના મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી, જેની સામે જીવદયાપ્રેમીઓ માટે લડી રહેલા વકીલોએ જોરદાર દલીલો કરી હતી કે કોઈ નક્કર પુરાવા વિના કબૂતરોને ભૂખ્યાં રાખવાં એ લોકો માટે અનુકૂળ નથી. આ વકીલોએ મહાનગરપાલિકાએ જેટલા મુદ્દાઓ રજૂ કર્યા હતા એ બધા મુદ્દાઓને પડકાર્યા હતા, પરંતુ કોર્ટે જીવદયાપ્રેમીઓના વકીલોને પૂછ્યું હતું કે તમારી પાસે પુરાવા છે કે કબૂતરો માનવસ્વાસ્થ્ય માટે જોખમી નથી. નાગરિકોએ કબૂતરોને ખવડાવવાનો શોખ બનાવી દીધો છે અને એને પણ નિયંત્રિત કરવાની જરૂર છે એમ કહીને ગઈ કાલે પણ કોર્ટે કબૂતરોને ખોરાક આપવા માટે વચગાળાની રાહત આપી નહોતી. આ બાબતની હવે પછીની સુનાવણી ૭ ઑગસ્ટે કરવામાં આવશે.
કોર્ટ ફક્ત તારીખ પે તારીખ આપી રહી છે, અમારી દલીલો-રજૂઆતને સ્વીકારવા તૈયાર જ નથી એમ જણાવતાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર અને આ કેસનાં મુખ્ય પિટિશનર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકા પાસે હકીકતો રજૂ કરવા માટે કોઈ મજબૂત પુરાવા નથી, પરંતુ તેઓ મુંબઈના નાગરિકોમાં કબૂતરો શ્વસનરોગ ફેલાવે છે એવી અફવાઓ ફેલાવવા માગે છે. અત્યાર સુધીમાં કબૂતરોને કારણે કેટલા માનવીનાં મોત થયાં એ માટે અમે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી દસથી વધુ અરજીનો જવાબ આપવામાં સુધરાઈ નિષ્ફળ ગઈ છે. તેમણે ૨૦૧૯ની RTIની અરજીના જવાબમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેમની પાસે હિસ્ટોપ્લાઝ્મોસિસ (HP) કબૂતરો દ્વારા ફેલાય છે એવા કોઈ જ પુરાવા નથી. તેઓ આ મુદ્દે વાઇરલ થતા વિડિયો દ્વારા લોકોમાં ભય ફેલાવે છે એથી મુંબઈકરો વૉર્ડમાં જઈને સાચી-ખોટી ફરિયાદ કરશે જેનો તેઓ કબૂતર પાળનારાઓ સામે ઉપયોગ કરશે. મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં કબૂતરખાનાંની જગ્યાઓ કબજે કરવા માગે છે અને નજીકના ભવિષ્યમાં રોગોના નામે મુંબઈને પશુ-પક્ષીઓથી મુક્ત કરવા માગે છે.’
ADVERTISEMENT
ગઈ કાલે જીવદયાપ્રેમીઓના વકીલોએ તેમની દલીલમાં કહ્યું હતું કે કબૂતરોને જીવવાનો અધિકારી છે અને કોઈ તેમને ભૂખ્યાં રાખી શકે નહીં, ઉપરાંત મહાનગરપાલિકા કબૂતરોને નુકસાન પહોંચાડવા માટે જે વિસ્ફોટકોના ક્રૂર કૃત્ય કરે છે એને બંધ કરવા જોઈએ.
કોર્ટે આ દલીલને સ્વીકારીને મહાનગરપાલિકાને કબૂતરોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા બે દિવસથી કોર્ટની સુનાવણીમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડનાં અધિકારી મનીષા કારિયા પણ હાજર રહે છે. તેમણે ગઈ કાલે કોર્ટમાં કહ્યું હતું કે કબૂતરોને અચાનક પર્યાવરણમાંથી દૂર કરી શકીએ નહીં. ઘરેલુ કબૂતરોને યુગોથી અનાજ ખવડાવવામાં આવે છે અને અચાનક તેમના અનાજને બંધ કરવું એને અનાજ આપવાનો વિરોધ કરવો એક પ્રકારની ક્રૂરતા છે. ૨૦૨૫ની ચોથી જુલાઈથી આજ સુધી સમગ્ર મુંબઈમાં ૩૦,૦૦૦થી વધુ પક્ષીઓ મૃત્યુ પામ્યાં છે અને તેમને ભૂખ્યાં રાખવાં એ કોઈ ઉકેલ નથી.’
હજારો પક્ષીઓનાં જીવન જોખમમાં છે એમ જણાવતાં સ્નેહા વિસરિયાએ કહ્યું હતું કે ‘આપણા બંધારણ મુજબ તેમનું રક્ષણ કરવાની જરૂર છે એ પ્રત્યે કોર્ટ કે મહાનગરપાલિકા કોઈ જ સંવેદનશીલ નથી. કોર્ટ કહે છે કે જે ફિટ હશે તેઓ તેમનો ખોરાક તેમની રીતે શોધી લેશે અને જીવી લેશે, પરંતુ જજની બેન્ચ એ સમજવામાં નિષ્ફળ છે કે કબૂતરોએ ક્યારેય કીડા ખાધા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે, કારણ કે તેમને લોકો અનાજ જ ખવડાવે છે. તેઓને વર્ષોથી આદત છે કે લોકો તેમને અનાજ ખવડાવશે અને તેઓ આજે પણ એની જ રાહ જુએ છે. તેઓ અનાજની શોધમાં કબૂતરખાનાં બંધ થતાં રસ્તાઓ પર આવી જાય છે અને અકસ્માતોમાં મૃત્યુ પામે છે.’


