Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલ, સગાઈ અને અનોખી સખાવત

સ્કૂલ, સગાઈ અને અનોખી સખાવત

22 January, 2022 09:49 AM IST | Mumbai
Alpa Nirmal

ઘાટકોપરનાં ઋષભ મહેતા ને ક્ષમા શાહે ઘાટકોપરની જ દાયકાઓ જૂની ગુજરાતી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓની વચ્ચે રિંગ સેરેમની કરીને ૨૫૦ વિદ્યાર્થિનીઓને સ્કૂલ કિટ ગિફ્ટ કરી અને પરિવારજનોએ ૩૦ બાળાનો વર્ષનો ભણવાનો ખર્ચો ઉપાડ્યો

ઘાટકોપરની સ્કૂલની બાળકીઓએ નવયુગલ માટે પ્રાર્થના કરી હતી તેમ જ તેમને બેસ્ટ વિશિસ પણ આપ્યા હતા

ઘાટકોપરની સ્કૂલની બાળકીઓએ નવયુગલ માટે પ્રાર્થના કરી હતી તેમ જ તેમને બેસ્ટ વિશિસ પણ આપ્યા હતા


વ્યવસાયે આર્કિટેક્ટ અને ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ઋષભ મહેતા કે તેની વાગ્દત્તા ક્ષમા શાહને આમ તો ઘાટકોપર-વેસ્ટમાં આવેલી શ્રી પંડિત રત્ન ચિંતામણિ જૈન કન્યાશાળા સાથે કોઈ કનેક્શન નહોતું; પણ ૧૮ જાન્યુઆરી બાદ તેઓ આ સ્કૂલને ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે આ કન્યાશાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં તેમણે સહજીવનના પ્રથમ પગલા સમી રિંગ સેરેમનીની વિધિ કરી હતી.
આર્કિટેક્ટ તરીકે પોતાની પ્રૅક્ટિસ કરતો ઋષભ મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા પપ્પા જય પ્રકાશભાઈ (જેપી) વર્ધમાન સંસ્કારધામ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છે. તેઓ કુદરતી આપિકત્ત, જીવદયા, સાધર્મિક ઉત્થાન, અનુકંપા જેવાં સંસ્થાનાં અનેક સત્કાર્યોમાં ઍક્ટિવ છે. પપ્પા તેમના મિત્રો અને સગાંસંબંધીઓને તેમના ઘરમાં આવતા શુભ પ્રંસગે કોઈ ને કોઈ સત્કાર્ય કરવાની પ્રેરણા આપતા હોય છે. જોકે મારા એન્ગેજમેન્ટ નક્કી થયા ત્યારે શુભ કાર્ય કરવા વિશે તેઓ બોલ્યા નહીં એટલે મેં તેમને કહ્યું કે પપ્પા, આપણે બીજાને પ્રેરણા આપીએ છીએ તો આપણે પણ આ નિમિત્તે કાંઈ સારું, સમાજને ઉપયોગી કાર્ય કરીએ.’
વાતનો દોર આગળ સાધતાં જેપીભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘દીકરાની ટકોર મને સ્પર્શી ગઈ અને અમે ઘાટકોપરની આ પ્રખ્યાત શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને મદદ કરવાનું નક્કી કર્યું.’ 
જોકે આ સદ્કાર્ય વિશે ક્ષમા કે તેની ફૅમિલીને ખબર નહોતી. ૧૮ તારીખે બોલ બોલવાની વિધિ કર્યા બાદ જેપીભાઈએ વેવાઈ પક્ષને કહ્યું કે હવે એક સરપ્રાઇઝ છે. તેઓ પોતાના અને વેવાઈ પક્ષના લોકોને લઈને કન્યાશાળામાં પહોંચી ગયા. જેપીભાઈ કહે છે, ‘અમે સ્ટેશનરી કિટ, નાસ્તો વગેરેની પહેલેથી જ વ્યવસ્થા ત્યાં કરી રાખી હતી. નજીકમાં રહેતી ૫૦ જેટલી બાળાઓ પણ અહીં આવી હતી. તેમની ઉપસ્થિતિમાં અમે ઋષભ અને ક્ષમાની રિંગ સેરેમની કરી. એ ક્ષણો એટલી અદ્ભુત હતી કે ફક્ત ઋષભ અને ક્ષમા જ નહીં, બેઉ પક્ષના ૨૫-૨૫ આંમત્રિતો માટે એ યાદગાર સંભારણું બની રહેશે. બાલિકાઓએ નવયુગલને હાથે બનાવેલાં કાર્ડ્સ ગિફ્ટ કર્યાં, તેમના માટે પ્રાર્થના ગાઈ અને બેસ્ટ વિશિસ આપ્યા.’
ફૅશન ડિઝાઇનર અને ઘાટકોપર-વેસ્ટમાં સંઘાણી એસ્ટેટ ખાતે રહેતી ક્ષમા શાહ કહે છે, ‘જનરલી, બોલ બોલ્યા પછી રિંગ સેરેમની થાય જે ન થઈ એટલે મને એમ થયું કે કદાચ આ વિધિ પછી થશે, પણ આ રીતે પપ્પા અને ઋષભે આ સેરેમની પ્લાન કરી હશે એ તો અનબિલીવેબલ હતું. સ્કૂલની છોકરીઓએ અમને જે રીતે વેલકમ કર્યાં, શુભેચ્છાઓ આપી એ તો સુપરવૉર્મ હતું.’
જેપીભાઈ કહે છે, ‘નવ દાયકાથી આ સ્કૂલ ઘાટકોપરમાં ચાલી રહી છે. ગુજરાતી મીડિયમ પણ હજી અહીં ચાલે છે. ગુજરાતી માધ્યમમાં ભણતી બાળાઓ સુપર તેજસ્વી છે. યોગ્ય પુશ-અપ અને પ્રોત્સાહન મળે તો આ બાલિકાઓ દેશનું નામ રોશન કરે એવી પાવરફુલ છે. જોકે આ કન્યાઓ શ્રમજીવી પરિવારોમાંથી આવે છે. કોઈના પપ્પા રિક્ષા-ડ્રાઇવર છે તો કોઈ સફાઈ-કામદારની બેટી છે. પૈસાના અભાવે તેઓ ઉચ્ચ શિક્ષણ નથી લઈ શકતી. સ્કૂલ અનેક વિદ્યાર્થિનીઓને ફ્રી એજ્યુકેશન આપે છે, પણ એક સામાજિક પ્રાણી તરીકે આપણી ફરજ છે કે આપણે પણ આપણી ક્ષમતા મુજબ આ વર્ગને મદદ કરવી જોઈએ.’
સગાઈ નિમિત્તે પધારેલા પરિવારજનોએ સ્કૂલની ૩૦ બાલિકાઓની ફી સ્પૉન્સર કરી હતી. સાથે જ જેપીભાઈએ સંગમનેર (મહારાષ્ટ્ર)ની એક પાંજરાપોળનો આખા દિવસનો ખર્ચ ડોનેટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2022 09:49 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK