રાજ્યમાં ડ્રગ્સ મૅન્યુફૅક્ચરિંગ અને હેરાફેરી કરનારાઓને પોલીસ મદદ કરતી હોવાનો આરોપ થતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ઃ રાજ્યને ડ્રગ્સ-ફ્રી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ નાશિકના ડ્રગ્સ-માફિયા લલિત પાટીલના કેસમાં પોલીસે જ ભાગવામાં મદદ કરી હોવાનું જણાતાં આ મામલામાં પુણેના નવ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ડ્રગ્સની તસ્કરી અને હેરાફેરી રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથ અને સુપ્રિયા સુળેએ તેમનું રાજીનામું માગ્યું છે. આથી ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ડ્રગ્સના મામલામાં લિન્ક ધરાવતા પોલીસ અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની સાથે ડિસમિસ કરવામાં આવશે.
નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ડ્રગ્સનું ઉત્પાદન કે હેરાફેરી કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પોલીસ અધિકારી આમાં સંકળાયેલો હોવાનું જણાશે તો તેને સસ્પેન્ડ જ નહીં સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવશે. તેમની સામે બંધારણની કલમ ૩૧૧ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. મહારાષ્ટ્રને ડ્રગ્સ-ફ્રી કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વ્યાપક દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. ડ્રગ્સના ગોરખધંધામાં ઇન્ટરસ્ટેટ ગૅન્ગ સંકળાયેલી હોવાનું જણાયું છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે સેંકડો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને અસંખ્ય આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.’
કાર-અકસ્માતમાં બીજેપીના સાંસદ બાલ-બાલ બચ્યા
ADVERTISEMENT
બીજેપીના ગડચિરોલી-ચિમુર મતદારક્ષેત્રના સાંસદ અશોક નેતે ગઈ કાલે સવારના ૧૦ વાગ્યે નાગપુરથી તેમના વતન ગડચિરોલી તરફ કારમાં જતા હતા ત્યારે વીરગાવ પાસે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પણ સદ્નસીબે સાંસદ બાલ-બાલ બચી ગયા હતા. બાદમાં સાંસદ બીજી કારમાં ગડચિરોલી પહોંચ્યા હતા. શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્ષા બંગલામાં મહાયુતિના તમામ સાંસદો-વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી એમાં સામેલ થવા માટે અશોક નેતે મુંબઈ આવ્યા હતા. મુંબઈની બેઠક પૂરી થયા બાદ તેઓ મોડે-મોડે ચડચિરોલી જવા માટે કારમાં નીકળ્યા હતા. જોકે તેઓ નાગપુર પહોંચ્યા ત્યાં જ મોડી રાત થઈ ગઈ હતી એટલે નાગપુર રોકાઈ ગયા હતા. ગઈ કાલે સવારે તેઓ નાગપુરથી ચડચિરોલી જવા નીકળ્યા ત્યારે રસ્તામાં કારનો અકસ્માત થયો હતો.
બીજેપી વિધાનસભા-લોકસભા બેઠક માટે વૉરરૂમ બનાવશે
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની તમામ ૪૮ લોકસભા બેઠકમાં વિજય મેળવવા માટે બીજેપીએ કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. ‘મહાવિજય ૨૦૨૪’ મિશનમાં બીજેપીએ રાજ્યની તમામ લોકસભા અને વિધાનસભા બેઠકોના પોતાના તેમ જ એકનાથ શિંદે અને અજિત પવાર જૂથના ઉમેદવારોને વિજયી બનાવવા માટેની વ્યૂહરચના બનાવી છે. દરેક મતદારક્ષેત્રમાં વૉરરૂમ બનાવવામાં આવશે. એના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામની માહિતી મતદારોને આપવામાં આવશે. શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલામાં મહાયુતિના સાંસદો અને વિધાનસભ્યોની મહત્ત્વની બેઠક મળી હતી. એમાં રાજ્ય અને કેન્દ્રમાં વિજય મેળવવા માટે બધાને કામે લાગવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મહાયુતિના ઉમેદવારોને મદદ કરવા માટે બીજેપી વૉરરૂમ બનાવશે. એમાં માહિતી આપવાની સાથે જે-તે મતદારસંઘની સમસ્યા અને ગંભીર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પ્રફુલ પટેલ લોકસભાની ચૂંટણી લડવાની શક્યતા
અજિત પવાર જૂથ રાજ્ય સરકારમાં સામેલ થયા બાદ એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે લોકસભાની ચૂંટણી નજીક છે એટલે પ્રધાનમંડળના વિસ્તરણની હવે કોઈ શક્યતા નથી. આથી હવે પ્રફુલ પટેલ ભંડારા-ગોંદિયા મતદારક્ષેત્રમાંથી લોકસભાની ચૂંટણી લડવાની શક્યતા છે. આ લોકસભા બેઠક અત્યારે બીજેપી પાસે છે એટલે પ્રફુલ પટેલ માટે રસ્તો કરી આપવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. પ્રફુલ પટેલ અજિત પવારની નજીકના છે અને અત્યારે એનસીપીની કાયદાકીય લડાઈ તેઓ જ લડી રહ્યા છે એટલે પ્રફુલ પટેલને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાનો તખતો તૈયાર થઈ શકે છે.


