મહારાષ્ટ્ર બીજેપી દ્વારા જૂના વિડિયો પોસ્ટ કરવા સંબંધે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ઃ મહારાષ્ટ્રના નવનિર્માણ કરવા માટે ફરી આવીશ એવા આશયનો જૂનો વિડિયો મહારાષ્ટ્ર બીજેપી દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે એનો વિવાદ ઊભો થયો છે. આવું કહીને દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બનશે? એવો સવાલ ઊભો થયો છે. વિરોધીઓએ પણ બીજેપીની આ પોસ્ટની ટીકા કરી છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પોસ્ટ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘કોઈને સત્તામાં આવવું હોય તો તે વિડિયો પોસ્ટ કરીને આવશે? કેવું ગાંડપણ છે. એકનાથ શિંદે અમારા મુખ્ય પ્રધાન છે અને હું તેમની સાથે છું. એકનાથ શિંદે તેમનો કાર્યકાળ પૂરો કરશે. આગામી ચૂંટણી પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ લડવામાં આવશે.’
મહારાષ્ટ્ર બીજેપીની ટ્વીટથી રાજકીય વર્તુળમાં ફરી ચર્ચા શરૂ થઈ છે કે સત્તાધારી પક્ષોમાં કોઈક બદલાવ થવા જઈ રહ્યો છે કે? મહાવિકાસ આઘાડી સરકાર વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હું ફરી આવીશ. તેમના આ વિધાનની વિરોધીઓ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી.
શરદ પવારે વડા પ્રધાનને જવાબ આપ્યો
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની શિર્ડીની સભામાં નામ લીધા વિના શરદ પવારની ટીકા કરી હતી. તેઓ કેન્દ્રની સરકારમાં અનેક વર્ષ મોટા પદ પર હોવાની સાથે સાત વર્ષ કૃષી પ્રધાન હોવા છતાં ખેડૂતો માટે કંઈ ન કર્યું હોવાનું વડા પ્રધાને કહ્યું હતું. એનસીપીના સ્થાપક શરદ પવારે વડા પ્રધાનને જવાબ આપ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે શરદ પવારે કહ્યું હતું કે ‘હું જ્યારે કૃષી પ્રધાન હતો ત્યારે ખેડૂતોને સારો ભાવ આપવા માટેના પ્રયાસ કર્યા હતા. દેવામાં ડૂબી ગયેલા ખેડૂતોને ૬૫ હજાર કરોડ રૂપિયાની માફી આપી હતી. આ સિવાય ખેડૂતોની આવક વધે અને તેમને લાંબા ગાળે ફાયદો થાય એ માટેની અનેક યોજના શરૂ કરી હતી. હું વડા પ્રધાને જે કહ્યું છે એ વિશે કંઈ કહેવા નથી માગતો. મારા સમયમાં જે કામ થયાં છે એની માહિતી બધાને છે.’
મુંબઈમાં સાડાઆઠ હજાર કરોડ રૂપિયાનાં કામ રોકવામાં આવ્યાં
આદિત્ય ઠાકરેએ ગઈ કાલે રાજ્ય સરકાર અને મુંબઈ બીએમસીની ટીકા કરતાં કહ્યું હતું કે મુંબઈમાં રાજ્ય સરકારના દબાણને લીધે સાડાઆઠ કરોડ રૂપિયાનાં કામ અટકી ગયાં છે. રસ્તાનાં કામ થાય નહીં એ માટે ટ્રાફિક પોલીસની એનઓસી નથી આપવામાં આવી રહી. અમારી સરકાર આવશે તો આ બધા મામલાની તપાસ કરીને આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘જે શહેરમાં પ્રશાસક છે ત્યાં કૌભાંડ થઈ રહ્યાં છે. ૧૦-૧૨ મહિનાથી અમે રસ્તા બાબતે કહી રહ્યા છીએ. આમ છતાં સરકાર કે બીએમસી દ્વારા આ બાબતે કંઈ નથી કરી રહી. મુંબઈ ખાડામુક્ત કરવાની મોટા પાયે જાહેરાત કરવામાં આવી રહી છે, પણ ચોમાસું ક્યારનુંય પૂરું થઈ ગયું હોવા છતાં હજી સુધી કામ શરૂ થવાનાં કોઈ એંધાણ દેખાતાં નથી.’
વિધાનસભાની ચૂંટણી માટે મતભેદ છે
એનસીપીના સ્થાપક શરદ પવારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઇન્ડિયા જૂથના પક્ષોમાં મતભેદ છે, પણ લોકસભાની ચૂંટણીમાં બધાએ એકસાથે રહેવું જોઈએ. કેરલા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને પંજાબ સહિતનાં રાજ્યોમાં બીજેપીની પૂર્ણ બહુમતીની સરકારો નથી. રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે વિરોધી પક્ષોમાં કેટલાક મતભેદ છે. આ વિશે સમય જતાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સમજૂતી કરાશે. લોકસભાની ચૂંટણીમાં વિરોધી પક્ષોએ સાથે આવીને કેન્દ્રની સરકારનો મુકાબલો કરવો જોઈએ. રાજ્યમાં હજી સુધી ઇન્ડિયા જૂથના પક્ષો વચ્ચે કોઈ તાલમેલ નથી.’


