અવિનાશ જાધવે મુંબ્રાદેવી મંદિરની તળેટીમાં આવેલી કથિત ગેરકાયદે દરગાહ અને અમુક બાંધકામો સામે સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માગણી કરી હતી
અવિનાશ જાધવ
પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર અવિનાશ જાધવને મુંબ્રામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે મુંબ્રાદેવી મંદિરની તળેટીમાં આવેલી કથિત ગેરકાયદે દરગાહ અને અમુક બાંધકામો સામે સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માગણી કરી હતી.
એમએનએસના વડા રાજ ઠાકરેએ ૨૨ માર્ચે વિવિધ સ્થળોએ એક ચોક્કસ ધર્મનાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ઉઠાવ્યા બાદ અવિનાશ જાધવે થાણેના કલેક્ટરને મુંબ્રાની તળેટીમાં આવેલી ગેરકાયદે દરગાહ (મુસ્લિમ સંતની દરગાહ) અને મસ્જિદ દૂર કરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
મુંબ્રા (સાંપ્રદાયિક રીતે) સંવેદનશીલ છે અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે એ જોતાં સંભવિત કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને કળવા વિભાગના સહાયક પોલીસ કમિશનર વિલાસ શિંદે દ્વારા CrPcની કલમ ૧૪૪ હેઠળ અવિનાશ જાધવ સામે પ્રતિબંધક આદેશ જારી કરવામાં આવ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે અવિનાશ જાધવે કલેક્ટરને કહ્યું હતું કે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પૂજાસ્થળની નજીક ભગવાન હનુમાનનું મંદિર બનાવવામાં આવશે. એમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અવિનાશ જાધવ વિરુદ્ધ થાણે પોલીસ કમિશનરેટની હદમાં રાજકીય ગુના નોંધવામાં આવ્યા છે એટલે જાહેર સંપત્તિ અને લોકોના જીવનને કોઈ જોખમ ન થાય એ માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ મુજબ ૨૭ માર્ચથી ૯ એપ્રિલ વચ્ચે અવિનાશ જાધવના મુંબ્રામાં પ્રવેશ પર પ્રતિબંધ છે.