ભારતમાં ગેરકાયદે રહેતા ૧૨ બંગલાદેશીઓને પુણે ઍરપોર્ટ મૂકવા જતાં ભાટન ટનલમાં અકસ્માત થયો : ૧૯ પોલીસ અને બંગલાદેશી ઘવાયા
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પોલીસના કાફલાનાં વાહનોની એકમેક સાથે ટક્કર
ભારતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓને તેમના દેશમાં પાછા મોકલવા માટે પોલીસનો કાફલો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાફલાનાં વાહનો એકબીજાને ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૯ પોલીસ-અધિકારીઓ અને ૧૨ બંગલાદેશીઓ ઘાયલ થયા હતા.
ગઈ કાલે સવારે આઠ વાગ્યાની આસપાસ મુંબઈ, થાણે, મીરા-ભાઈંદર અને નવી મુંબઈના પોલીસ-અધિકારીઓ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાંથી પકડાયેલા ૧૨ બંગલાદેશીને લઈને પુણે ઍરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. પોલીસના કાફલામાં આઠ વાહનો હતાં જેમાંથી પહેલા વાહનના ડ્રાઇવરે ટનલમાં પહોંચતાં જ અચાનક બ્રેક મારતાં પાછળનાં વાહનો એકની પાછળ એક ભટકાઈ ગયાં હતાં. ઈજાગ્રસ્ત તમામ અધિકારીઓ અને બંગલાદેશીઓને નવી મુંબઈની MGM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રોટેક્શન બ્રાન્ચના એક અધિકારી ગંભીર હોવાનું એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
અકસ્માતને લીધે એક્સપ્રેસવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. તકરાયેલાં વાહનોને ટનલમાંથી બહાર કાઢ્યા બાદ આ માર્ગનો ટ્રાફિક સામાન્ય થયો હતો.


