રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાના વિરોધમાં શુક્રવારે વિપક્ષે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. એ જ મુદ્દાને લઈને કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્યોએ વિધાનસભાની સીડી પર વિરોધ કર્યો હતો.

રાહુલનું સભ્યપદ છીનવાયા બાદ વિધાનસભામાં કૉન્ગ્રેસ અને એનસીપીએ બીજેપીની કરી ટીકા
રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાના વિરોધમાં શુક્રવારે વિપક્ષે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. એ જ મુદ્દાને લઈને કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્યોએ વિધાનસભાની સીડી પર વિરોધ કર્યો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસી નેતા અશોક ચવાણે પત્રકારોને કહ્યું હતું કે અમે આ નિર્ણયની નિંદા કરીએ છીએ અને લોકો આટલા નીચેના સ્તરે ગયેલી રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં. વિધાનસભ્યોએ તેમના વિરોધના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી હતી.
પ્રદેશ કૉન્ગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે ‘નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા લોકો દેશને લૂંટીને ભાગી ગયા. રાહુલ ગાંધી આ મુદ્દાને હાઇલાઇટ કરી રહ્યા હતા. બીજેપીની માનસિક રચના લોકશાહીને ખતમ કરવાની છે.’
વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે હાલની પરિસ્થિતિ અને ઇમર્જન્સી વચ્ચે સરખામણી કરતાં કહ્યું હતું કે દેશના લોકોને ઇન્દિરા ગાંધી (૧૯૭૫માં) દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સી ગમતી નહોતી અને તેમને હરાવ્યાં હતાં.
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત સંસદીય સમિતિની તપાસ કરવાની મંજૂરી આપી નથી અને અદાણી મુદ્દે પણ બોલ્યા નથી, પરંતુ બીજેપી અપ્રસ્તુત મુદ્દાઓ ઉઠાવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે વૉકઆઉટને હાસ્યજનક ગણાવીને કહ્યું હતું કે જે કાયદો કૉન્ગ્રેસની આગેવાની હેઠળની યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને કેન્દ્રએ એનો અમલ કર્યો હતો એ કાયદા હેઠળ સભ્યને દોષી ઠેરવ્યા પછી ગેરલાયક ઠેરવવામાં આવે છે.
‘બધા ચોરોની કૉમન અટક મોદી કેવી રીતે હોઈ શકે?’ એવી રાહુલ ગાંધીની ટિપ્પણી પર બીજેપીના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. સુરતની અદાલતે ગુરુવારે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.
સૂચનામાં જણાવ્યા મુજબ ‘ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટ, સુરતની કોર્ટ દ્વારા દોષી જાહેર કરવાના પરિણામે... કેરળના વાયનાડ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને દોષી ઠરાવ્યાની તારીખ એટલે કે ૨૩ માર્ચ, ૨૦૨૩થી લોકસભાના સભ્યપદ માટે ડિસક્વૉલિફાય કરવામાં આવે છે.’
ડિસક્વૉલિફિકેશન થયા બાદ રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં, સિવાય કે ઉચ્ચ અદાલત તેમના ચુકાદા અને સજા પર રોક લગાવે.
રાહુલ ગાંધીના પોસ્ટરને જૂતાં મારનાર વિધાનસભ્યોના સસ્પેન્શનની કૉન્ગ્રેસની માગણી સાથે વિધાનસભામાં કોલાહલ
હિન્દુત્વના વિચારક વી. ડી. સાવરકર વિરુદ્ધ ટિપ્પણી કરનારા રાહુલ ગાંધીના પોસ્ટરને ગુરુવારે જૂતાં-ચંપલથી ફટકારનારા બીજેપી અને શિવસેનાના સભ્યોના સસ્પેન્શનની કૉન્ગ્રેસના સભ્યો દ્વારા માગણી કરાતાં રાજ્ય વિધાનસભામાં ગઈ કાલે કોલાહલ વ્યાપ્યો હતો. કૉન્ગ્રેસના વિધાનસભ્યો અને સત્તાધારી પક્ષ દ્વારા થયેલા સૂત્રોચ્ચારને પગલે વ્યાપેલા કોલાહલને કારણે કુલ ત્રણ વખત ગૃહનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને દેશના નેતાઓનો ઉલ્લેખ કરવા બાબતે તેઓ સભ્યો માટે એસઓપી અને આચારસંહિતા ઇશ્યુ કરશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાવરકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ વિરોધ પક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે તેમનું અપમાન એ દેશનું અપમાન છે.
કૉન્ગ્રેસના સભ્યોની માગણીના જવાબમાં સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે મેં વિધાનસભાના સંકુલમાં થયેલી ઘટના પરનો રિપોર્ટ મગાવ્યો છે તેમ જ એનું વિડિયો ફુટેજ પણ મળ્યું છે, જે જોયા બાદ હું આદેશ આપીશ.