આજે અને કાલે મીરા રોડમાં યોજાનારા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમ સામે કૉન્ગ્રેસ અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ વાંધો ઉઠાવ્યો : સામા પક્ષે એના આયોજકનું કહેવું છે કે આ કાર્યક્રમ થઈને જ રહેશે

‘દિવ્ય દર્શન’ પહેલાં થયાં વિવાદનાં દર્શન
મુંબઈ : મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વરધામના પીઠાધીશ્વર અને વિવાદિત સંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મીરા રોડમાં આજે આગમન થવાનું છે. મીરા રોડમાં સાલાસર સેન્ટ્રલ પાર્ક, એસ. કે. સ્ટોન મેદાનમાં બાગેશ્વરબાબા તરીકે પ્રખ્યાત શાસ્ત્રીનો આજે એટલે કે ૧૮ અને ૧૯ માર્ચે સાંજે પાંચથી નવ વાગ્યા દરમિયાન ભક્તોને આશીર્વાદ અને દિવ્ય દર્શન આપવાનો કાર્યક્રમ છે. જોકે કાર્યક્રમ પહેલાં જ દિવ્ય દર્શન કાર્યક્રમનો વિરોધ કરતાં મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમ જ કૉન્ગ્રેસ દ્વારા એ વિશે વિરોધ દાખવવામાં આવ્યો છે.
અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મધુકર કાંબળેએ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભૂત ભગાવવાનો, મંત્રો દ્વારા રોગોના ઇલાજ કરવાનો જેવા ચમત્કારોનો દાવો કરવામાં આવે છે. આવા દાવા કરવા એ જાદુટોણાવિરોધી અધિનિયમ ૨૦૧૩ (મહારાષ્ટ્ર રાજ્ય) અને ડ્રગ્સ ઍન્ડ મૅજિક રેમેડીઝ ઍક્ટ ૧૯૫૪ (કેન્દ્રના નિયમો) હેઠળ ગુનો છે. એથી આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે.’
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને ૧૮-૧૯ માર્ચે બાગેશ્વરધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન આપવા માટે કહ્યું છે. તેમણે લખ્યું હતું કે ‘મહારાષ્ટ્ર પ્રગતિશીલ રાજ્ય છે અને અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિને આ રાજ્યમાં કોઈ સ્થાન નથી. જો મુંબઈમાં બાગેશ્વર મહારાજના કાર્યક્રમો યોજાશે તો અમે એનો વિરોધ કરીશું.’
આ કાર્યક્રમનાં મુખ્ય આયોજક સ્થાનિક વિધાનસભ્ય ગીતા જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાર્યક્રમનો વિરોધ કરવાનું કોઈ કારણ જ નથી. મુંબઈમાં અનેક ધાર્મિક કાર્યક્રમો, ભાગવતકથા, રામકથા થાય છે ત્યારે આ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે એવા સવાલો કે વિરોધ કરાતો નથી. તો પછી આ કાર્યક્રમ માટે કેમ વાંધો ઉપાડવામાં આવે છે.’