દૂધ, જળ અને અન્ય સામગ્રીથી પૂજા કરાતી હોવાથી આવું થયું હોવાનું કહીને એ લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે આઇઆઇટીએ કેટલીક સાવચેતી રાખવાની આપી સૂચના. ગણપતિની મૂર્તિમાં પણ કોઈ તિરાડ પડી નથી

બાબુલનાથ મંદિરના શિવલિંગમાં તિરાડ નહીં, ઘસારો હોવાનો નિષ્કર્ષ
મુંબઈગરાના માનીતા બાબુલનાથ ટેકરીવાલા મહાદેવનું શિવલિંગ અડીખમ છે તથા એનામાં અને ગણપતિની માર્બલની મૂર્તિમાં કોઈ તિરાડ પડી નથી; પણ લાંબા સમયથી દૂધ, જળ અને અન્ય સામગ્રીથી પૂજા કરાતી હોવાથી એને ઘસારો પહોંચ્યો છે એવું તારણ આઇઆઇટી-બૉમ્બેએ આપ્યું છે. આઇઆઇટીએ ભલામણ કરતાં કહ્યું છે કે આ શિવલિંગ લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટીઝ દ્વારા આઇઆઇટીને આ બાબતનું ઇન્સ્પેક્શન કરીને એનો રિપોર્ટ આપવા જણાવાયું હતું. આઇઆઇટી દ્વારા ફિઝિકલી મંદિરમાં જઈને સ્વયંભૂ શિવલિંગ અને ગણપતિની સ્થાપિત મૂર્તિની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવી હતી અને એના વિવિધ ઍન્ગલથી ફોટોગ્રાફ્સ લઈને ચકાસણી કરાઈ હતી અને એનો રિપોર્ટ આપ્યો હતો. શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટીઝ દ્વારા એ રિપોર્ટની માહિતી આપતાં કહેવાયું છે કે શિવલિંગમાં કોઈ જ તિરાડ જણાઈ આવી નથી. જોકે વર્ષો સુધી વિવિધ પૂજાસામગ્રીથી પૂજા કરાતી હોવાથી ઘસારો પહોંચ્યો છે. આઇઆઇટી દ્વારા એથી કેટલીક ભલામણો કરાઈ છે. શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટીઝના ચૅરમૅન અને ટ્રસ્ટી નીતિન ઠક્કરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઇઆઇટીનો રિપોર્ટ આવી ગયો છે. હાલ શિવલિંગમાં કે ગણપતિની મૂર્તિમાં કોઈ જ તિરાડ નથી, પણ સાવચેતી રાખવાની ભલામણ કરાઈ છે. હાલ ભક્તો દ્વારા શિવલિંગ પર જળાભિષેક કરાય જ છે, પણ દૂધના અભિષેક માટે બંધી છે. ટૂંક સમયમાં આ બાબતે અમે ટ્રસ્ટીઓ મીટિંગ લઈશું અને આગળ શું પગલાં લેવાં એ નક્કી કરીશું.’