જગદીશ ચૌહાણે પાકીટમાં પોતાનું અને પત્નીનું ડેબિટ કાર્ડ રાખેલું એટલું જ નહીં, PIN પણ લખી રાખેલો એટલે ATMમાંથી પૈસા ઊપડી ગયા
પ્રતીકાત્મક તસવીર
પરેલમાં રહેતા બાવન વર્ષના જગદીશ ચૌહાણનું બોરીવલી સ્ટેશનની બહારથી એક અજાણી વ્યક્તિએ પાકીટ તફડાવીને બૅન્કના ડેબિટ કાર્ડથી ૪૫,૦૦૦ રૂપિયા કાઢી લીધા હોવાની ફરિયાદ શુક્રવારે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ હતી. જગદીશના પાકીટમાં ફક્ત ૧૦૦ રૂપિયા જ હતા, પણ જગદીશ અને તેની પત્નીનું ડેબિટ કાર્ડ પર્સની અંદર હતું અને એ પર્સમાં બન્નેનાં કાર્ડનો PIN એટલે કે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર પણ લખી રાખ્યો હતો જેની મદદથી ચોરે પૈસા કાઢી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પર્સ કાઢી લઈને તો ચોરને માત્ર ૧૦૦ રૂપિયા જ મળ્યા હશે, પણ ડેબિટ કાર્ડ અને એનો પાસવર્ડ તેના હાથમાં આવી જતાં માત્ર ૨૦ મિનિટમાં જ તેણે ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી પૈસા કાઢી લીધા હતા એમ જણાવતાં બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાજી ખુપકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જગદીશ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)માં નોકરી કરે છે. શુક્રવારે સવારે ઇલેક્શન ડ્યુટીની ટ્રેઇનિંગ માટે જવા તે બોરીવલી રેલવે-સ્ટેશન આવ્યો ત્યારે તેની બૅગમાંથી અજાણ્યા શખ્સે પાકીટ ચોરી લીધું હતું. થોડી વાર બાદ જ્યારે તેના મોબાઇલ પર પૈસા કાઢ્યા હોવાનો મેસેજ આવ્યો ત્યારે તેને પાકીટ ચોરાયું હોવાની જાણ થઈ હતી. એ પછી તેણે પાકીટ ચોરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જે ATMમાંથી પૈસા કઢાવવામાં આવ્યા છે એ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ.’