હોળીની ઉજવણી કરવા ગામમાં ગયેલા નોકરે હાથચાલાકી કરી હોવાની શંકા
રવિ રાણા (ફાઇલ તસવીર)
અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણાના અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાના ખારમાં આવેલા ઘરમાંથી બે લાખ રૂપિયાની ચોરી થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ખાર-વેસ્ટમાં ૧૪મા રસ્તા પર આવેલા લા-વી અપાર્ટમેન્ટના આઠમા માળે વિધાનસભ્ય રવિ રાણાની માલિકીનો ફ્લૅટ છે. રવિ રાણાએ તેમના પર્સનલ અસિસ્ટન્ટ (PA) સંદીપ સસેને ફેબ્રુઆરી મહિનામાં બે લાખ રૂપિયા કૅશ આપ્યા હતા, જે તેણે આ ફ્લૅટના બેડરૂમના કબાટમાં મૂક્યા હતા. ૧૦ મહિના પહેલાં મૂળ બિહારના અર્જુન મુખિયાને ઘરનોકર તરીકે રાખવામાં આવ્યો હતો. તેને બેડરૂમમાં રોકડ રકમ હોવાની જાણ હતી. માર્ચ મહિનામાં હોળીમાં ગામમાં ગયા બાદ અર્જુન પાછો ફર્યો નથી એટલે આ ચોરી તેણે જ કરી હોવાની શંકા છે. તેનો ફોન પણ બંધ છે. થોડા સમય પહેલાં વિધાનસભ્યનો PA મુંબઈ આવ્યો ત્યારે ફ્લૅટમાં રાખેલા રૂપિયા ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

