અકસ્માતની આ ઘટના બાદ એમાં સંકળાયેલાં બધાં જ વાહનો હટાવ્યા પછી રોડ વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
મુંબઈ-આગરા રોડ પર જ્યુપિટર હૉસ્પિટલ સામે ગઈ કાલે પરોઢિયે ૩.૫૦ વાગ્યે થયેલા અકસ્માતમાં ટ્રક, ટેમ્પો અને બાઇકર અથડાયાં હતાં. એમાં બાઇકરનું મોત થયું હતું અને ટેમ્પોમાં પ્રવાસ કરી રહેલા બે જણ ઘાયલ થયા હતા. રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં એક ટ્રકના ટાયરમાં પંક્ચર થવાથી ટ્રક રોડની સાઇડમાં પાર્ક કરવામાં આવી હતી. એ વખતે પાછળથી આવી રહેલા ટેમ્પોના ડ્રાઇવરે તેનો ટેમ્પો ટ્રક સાથે અથડાવી માર્યો હતો. એ ઓછું હોય એમ એ ટેમ્પોની પાછળ બાઇક પર પૂરઝડપે આવી રહેલા ૨૭ વર્ષના વૈભવ દેવખરેએ તેની બાઇક ટેમ્પોને અથડાવી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. અન્ય લોકો તેને નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. એ સિવાય ટેમ્પોમાં પ્રવાસ કરી રહેલો ૪૦ વર્ષનો ધર્મેન્દ્ર યાદવ અને ૩૮ વર્ષનો સુનીલ બકરે આ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમને થાણેની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તે બન્ને એક કુરિયર કંપની માટે કામ કરે છે. અકસ્માતની આ ઘટના બાદ એમાં સંકળાયેલાં બધાં જ વાહનો હટાવ્યા પછી રોડ વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો.’


