ભાભીનું ડિસ્પ્લે પિક્ચર (DP) દેખાતો એક વૉટ્સઍપ મેસેજ વેપારીને મળ્યો હતો જેમાં ભાભી મુસીબતમાં હોવાનું કહી તાત્કાલિક ૯૦,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરના સાંડૂવાડી વિસ્તારમાં રહેતા ફર્નિચરના ગુજરાતી વેપારીની ભાભીનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરી તેમની પાસેથી ૯૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ભાભીનું ડિસ્પ્લે પિક્ચર (DP) દેખાતો એક વૉટ્સઍપ મેસેજ વેપારીને મળ્યો હતો જેમાં ભાભી મુસીબતમાં હોવાનું કહી તાત્કાલિક ૯૦,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા. DPમાં ભાભીનો ફોટો હોવાથી વેપારીએ વગર કોઈ પૂછપરછ કરી પૈસા મોકલી આપ્યા હતા. જોકે પાછળથી ભાભીએ તમામ લોકોને પોતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થયું હોવાની જાણ કરતાં ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
છેતરપિંડીમાં સામેલ બે મોબાઇલ નંબરોની તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં પૈસા મેળવવા માટે બૅન્ક અકાઉન્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે એમ જણાવતાં ચેમ્બુર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમી જુલાઈએ ચેમ્બુરના સાંડૂવાડી વિસ્તારમાં રહેતા વેપારીને UKના કન્ટ્રી-કોડવાળા નંબર પરથી એક વૉટ્સઍપ સંદેશ મળ્યો હતો. એ નંબર પરનું DP તેની ભાભીનું હતું. મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે એ તેનો નવો નંબર છે અને ગૂગલ-પે દ્વારા બીજા ભારતીય નંબર પર ૯૦,૦૦૦ રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. છેતરપિંડીથી અજાણ વેપારીએ શંકા વિના સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. દરમ્યાન એ જ દિવસે સાંજે તેમનાં ભાભીએ તમામ લોકોને પોતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થયું હોવાની જાણ કરી હતી ત્યારે છેતરપિંડીની ઘટનાનો ખુલાસો થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં વેપારીએ તાત્કાલિક સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930નો સંપર્ક કર્યો અને બાદમાં અમારી પાસે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.’


