Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કબૂતરબાજીનો ભોગ બનેલા લોકોની પાંચ કલાક આકરી પૂછપરછ કરવામાં આવી

કબૂતરબાજીનો ભોગ બનેલા લોકોની પાંચ કલાક આકરી પૂછપરછ કરવામાં આવી

Published : 27 December, 2023 07:24 AM | IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

ફ્રાન્સથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં રાતના ૩.૩૦ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ સવારે ૮.૩૦ વાગ્યે જવા દેવાયા

ગઈ કાલે મધરાત બાદ મુંબઈ ઍરપોર્ટ પર આવી પહોંચેલા પ્રવાસીઓ.  પી.ટી.આઇ.

ગઈ કાલે મધરાત બાદ મુંબઈ ઍરપોર્ટ પર આવી પહોંચેલા પ્રવાસીઓ. પી.ટી.આઇ.


મુંબઈ : ગેરકાયદે અમેરિકા અને કૅનેડા જવા નીકળેલા ૩૦૩ ભારતીયો ચાર્ટર્ડ ફ્લાઇટમાં હોવાની શંકાના આધારે ૨૨ ડિસેમ્બરે ફ્રાન્સના નાનકડા વેટ્રી ઍરપોર્ટ પર ઈંધણ ભરવા માટે લેન્ડ કરવામાં આવેલી ફ્લાઇટને બાનમાં લેવામાં આવી હતી. ફ્રાન્સની તપાસ એજન્સીઓએ ત્રણ દિવસ સુધી ફ્લાઇટની એકેએક વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ તેમને વતન પાછા જવા માટેની મંજૂરી આપવામાં આવતાં ૩૦૩માંથી ૨૭૬ ભારતીયો ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લેન્ડ થયા હતા. અહીં ઇમિગ્રેશન અને સીબીઆઇ સહિતની એજન્સીઓ દ્વારા પાંચ કલાક આકરી પૂછપરછ કરાયા બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. આમાંથી ૨૧ પ્રવાસીઓ ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદના હોવાની માહિતી મળતાં ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવા માટે ટીમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ ઍરપોર્ટથી આ લોકો ડોમેસ્ટિક ઍરપોર્ટ તરફ જતા હતા ત્યારે તેમણે મોં છુપાવી દીધાં હતાં અને કોઈની સાથે વાત નહોતી કરી. ભારત સરકારે આ બાબતે સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી નથી કર્યું.

દુબઈથી ફ્રાન્સના વેટ્રી ઍરપોર્ટ પર પહોંચેલી ચાર્ટર્ડ ફ્લાઇટમાં પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ગુજરાતના ૩૦૩ ભારતીયો અમેરિકા અને કૅનેડામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે નીકળ્યા હોવાની શંકાના આધારે આ ફ્લાઇટને ફ્રાન્સમાં ત્રણ દિવસ રોકી લેવામાં આવી હતી. ફ્રાન્સની તપાસમાં આ પ્રવાસીઓ કબૂતરબાજીમાં સંકળાયેલા ન હોવાનું જણાતાં તેમને ભારત પાછા જવાની મંજૂરી સોમવારે આપવામાં આવી હતી. જોકે કેટલાક લોકોએ ભારત પાછા આવવાને બદલે ફ્રાન્સમાં રાજ્યાશ્રય મેળવવા માટેની અરજી કરતાં તેઓ ફ્રાન્સમાં જ રોકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ આવેલા ૨૭૬ ભારતીયોમાંથી મોટા ભાગના પંજાબ, હરિયાણા અને દિલ્હીના છે; જ્યારે ૨૧ ગુજરાતીઓ કબૂતરબાજીનો ભોગ બન્યા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ લોકોની ગુજરાત પોલીસે ૧૬ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.



છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ ૨૭૬ ભારતીયોને લઈને ફ્રાન્સના વેટ્રી ઍરપોર્ટથી સોમવારે સાંજે રવાના થયેલી ચાર્ટર્ડ ફ્લાઇટ ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે મુંબઈ પહોંચી હતી. પાંચેક કલાક સુધી તેમની વિવિધ તપાસ એજન્સીઓએ પૂછપરછ કર્યા બાદ સવારે ૮.૩૦ વાગ્યે આ લોકો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી બહાર નીકળ્યા હતા.


રૂપિયા લઈને અમેરિકા અને કૅનેડામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટેની એજન્ટોની ટીમનો ભોગ બનનારા આ લોકો મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યા હોવાની માહિતી મળતાં પત્રકારો ઍરપોર્ટ પર તેમની વિગતો લેવા માટે પહોંચ્યા હતા. સવારના ૮.૩૦ વાગ્યે ફ્રાન્સથી આવેલા લોકો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે તેમણે તેમનાં મોં છુપાવી લીધાં હતાં અને કોઈએ કોઈ વાત નહોતી કરી. પત્રકારોએ તેઓ કેવી રીતે ભારતથી દુબઈ પહોંચ્યા અને ત્યાંથી ફ્લાઇટમાં ફ્રાન્સ પહોંચ્યા, અમેરિકા-કૅનેડામાં પ્રવેશ મેળવવા માટે તેમણે એજન્ટોને કેટલા રૂપિયા આપ્યા, ફ્રાન્સની સરકારે આ લોકો કબૂતરબાજીમાં સામેલ ન હોવાની સ્પષ્ટતા કરી છે તો તેમને ​નિકારાગુઆને બદલે ભારત કેમ પાછા મોકલવામાં આવ્યા વગેરે સવાલના કોઈ જવાબ નહોતા આપ્યા. બધા

ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ડોમેસ્ટિક ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી પોતાના વતન તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું.
ફ્રાન્સથી ભારત પાછા ફરેલા ભારતીયોમાં ૨૧ લોકો ગુજરાતના હોવાની જાણ થતાં ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે આ લોકો બપોરના ગુજરાત પહોંચ્યા ત્યારે ૧૬ અધિકારીની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું. 


ફ્રાન્સની એક ન્યુઝ-ચૅનલે દાવો કર્યો છે કે ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસ કરવામાં આવી ત્યારે તેમને નિકારાગુઆને બદલે ભારત પાછા મોકલવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે તેમણે ભારતને બદલે નિકારાગુઆ જવાની હઠ કરી હતી. તેમને સમજાવવામાં ઘણો સમય જતાં સોમવારે સવારને બદલે બપોર બાદ ચાર્ટર્ડ ફ્લાઇટ વેટ્રી ઍરપોર્ટથી મુંબઈ આવવા રવાના થઈ હતી. પચીસ જેટલા ભારતીયોએ ભારત પાછા આવવાને બદલે ફ્રાન્સમાં રાજ્યાશ્રય માગ્યો છે એટલે તેમને વેટ્રી ઍરપોર્ટથી સ્પેશ્યલ ઝોન ચાર્લ્ડ ડી ગૌલે ઍરપોર્ટ પર મોકલવામાં આવ્યા છે. ચાર્ટર્ડ ફ્લાઇટમાં દુબઈથી ફ્રાન્સ પહોંચેલા લોકો તેમની મરજીથી ગયા હતા એટલે ફ્રેન્ચ પોલીસે માનવ-તસ્કરીના ઍન્ગલથી તપાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ જ તેમને ભારત આવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

ચાર્ટર્ડ ફ્લાઇટમાં પંજાબ, હરિયાણા અને દિલ્હી ઉપરાંત ગુજરાતના ૨૧ લોકો ફ્રાન્સ પહોંચ્યા હતા. આમાંના કેટલાક લોકો મહેસાણા અને આસપાસના હોવાનું જાણવા મળ્યું હતું. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામના સરપંચ સોમાભાઈ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને તો ખબર જ નહોતી કે અમારા ગામના લોકો અમેરિકા જવા માટે નીકળ્યા બાદ ફ્રાન્સમાં ફસાઈ ગયા છે. બે દિવસથી પત્રકારો અહીં પૂછપરછ કરવા આવી રહ્યા છે એટલે મેં આ બાબતે ગામમાં ચકાસણી કરતાં ખ્યાલ આવ્યો કે અહીંના પટેલવાસમાં રહેતા ચેતન અને મુકેશ નામના બે યુવકો અમેરિકા જવા નીકળ્યા હતા. જોકે તેમના પરિવારમાંથી કોઈ કંઈ બોલવા તૈયાર નથી. આ યુવકો કેવી રીતે અને કોની સાથે અહીંથી નીકળ્યા હતા એની કોઈ માહિતી નથી.’

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 07:24 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK