CBIએ મુંબઈમાંથી એક જણની ધરપકડ કરીને ૪ કરોડ રૂપિયાની મતા જપ્ત કરી
આરોપી પાસેથી જપ્ત કરાયેલ વસ્તુ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ એક ઇન્ટરનૅશનલ સાઇબર ક્રાઇમ સિન્ડિકેટને ખુલ્લી પાડી છે, જેમાં મુંબઈમાંથી વિષ્ણુ રાઠી નામના આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ૧૦૦ ગ્રામની એક એવી સોનાની ૫૭ લગડી અને ૧૬ લાખ રૂપિયા કૅશ મળીને કુલ ૪ કરોડ રૂપિયાની મતા જપ્ત કરી છે. અમેરિકાની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અમેરિકાના નાગરિકોને ભારતમાં ઠગવામાં આવી રહ્યા હોવાની માહિતી CBIને આપી હતી. આથી CBIએ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે મુંબઈ અને કલકત્તામાં સાત જગ્યાએ સર્ચ-ઑપરેશન કર્યું હતું.
FBIએ CBIને માહિતી આપી હતી કે ૨૦૦૨થી ઇન્ટરનૅશનલ સાઇબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા અમેરિકા સહિતના વિદેશના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે તપાસ કર્યા બાદ CBIએ મુંબઈમાં રહેતા વિષ્ણુ રાઠી સામે સાઇબર ક્રાઇમ કરવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
CBIના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ધરપકડ કરવામાં આવેલા વિષ્ણુ રાઠી સહિતના આરોપીએ ૨૦૦૨ના જૂન અને ઑગસ્ટ મહિનામાં ફરિયાદીઓનાં કમ્પ્યુટર અને બૅન્ક-ખાતાંની માહિતી ગેરકાયદે રીતે મેળવી હતી. બાદમાં આ લોકોને ખોટી રીતે કહેવામાં આવ્યું હતું કે તેમના બૅન્કના અકાઉન્ટમાં છેડછાડ કરવામાં આવી છે જે જોખમી બની શકે છે. ગભરાઈ ગયેલા લોકો આરોપીઓ કહે એ પ્રમાણે તેમના નિયંત્રણમાં હોય એવા ક્રિપ્ટોકરન્સીના વૉલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. આરોપી પાસેથી સોનાની લગડીઓ અને કૅશની સાથે લૅપટૉપ, બૅન્કના લૉકરની માહિતી અને મોબાઇલ જપ્ત કર્યાં છે.’