પેલો બોનેટ પર લટકી ગયો તો દૂર સુધી સ્પીડમાં ગાડી દોડાવી
ઍરપોર્ટ પર પાર્કિંગના વિવાદમાં એક ડ્રાઇવરે બીજા ડ્રાઇવર પર કાર ચડાવી દીધી
ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક અર્ટિગા કારનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં એક વ્યક્તિ કારના બોનેટ પર લટકી જીવન-મરણ વચ્ચે લડાઈ લડી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. એ સમયે ડ્રાઇવર કારની ગતિ ઓછી કરવાને બદલે વધુ સ્પીડમાં કાર દોડાવતો જોવા મળ્યો હતો. આ વિડિયોની નોંધ લેતાં તાત્કાલિક ઍરપોર્ટ પોલીસે બોનેટ પર વ્યક્તિ બેસેલી હોવા છતાં કાર દોડાવનાર કૅબ-ડ્રાઇવર ભીમપ્રસાદ મહતો સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, પોલીસે તેની કાર પણ જપ્ત કરી છે. મંગળવારે રાતે ઍરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં આરોપી ભીમપ્રસાદની અન્ય કૅબ-ડ્રાઇવર જસ્ટિન ડિસોઝા સાથે પાર્કિંગ મુદ્દે વિવાદ થયા બાદ આ ઘટના બની હતી.
ઍરપોર્ટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મધુકર સાનપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ થાણેમાં રહેતો ભીમપ્રસાદ થાણેથી એક મુસાફરને ઍૅરપોર્ટ ડ્રૉપ કરવા આવ્યો હતો. ડ્રૉપ કર્યા બાદ તે ઍરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં પોતાની કાર ઊભી રાખી બીજા ભાડાની રાહ જોઈ રહ્યો હતો એ સમયે તેનો પાર્કિંગ મુદ્દે જસ્ટિન સાથે વિવાદ થયો હતો. જસ્ટિન લોકલ હોવાથી તેની સાથે બીજા કૅબ-ડ્રાઇવર પણ ભીમપ્રસાદ સાથે વિવાદ કરવા લાગ્યા હતા. એ વાતથી ઉશ્કેરાઈ ભીમપ્રસાદે પોતાની કાર જસ્ટિન પર ચડાવવાની કોશિશ કરી હતી ત્યારે જીવ બચાવવા જસ્ટિન કારના બોનેટ પર બેસી ગયો હતો. એ સમયે ભીમપ્રસાદ કાર ઍરપોર્ટ પાર્કિંગમાંથી બહાર કાઢી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી લઈ ગયો હતો. દરમ્યાન બીજા કૅબ-ડ્રાઇવરોએ ભીમપ્રસાદની પાછળ જઈ તેને ઊભો રખાવ્યો હતો. આ કેસમાં અમે ભીમપ્રસાદની ધરપકડ કરીને તેને નોટિસ આપી છોડી મૂક્યો છે, તેની કાર અમે જપ્ત કરી છે.’


