ICUના ૧૨,૦૦૦ બેડનું ટેન્ડર પાસ કરાવવાની લાલચ આપી, મંત્રાલયના પાર્કિંગમાં બોલાવીને છેતર્યા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિદ્યાવિહાર-વેસ્ટના કિરોલ રોડ નજીક નૉવેલ ડિઝાઇનર ડિસ્પ્લે સિસ્ટમ્સ (NDDS) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા ૪૫ વર્ષના વેપારીને રાજ્યની હૉસ્પિટલમાં ૧૨,૦૦૦ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) બેડનું ટેન્ડર અપાવવાનો વાયદો કરીને પાંચ ગઠિયાઓએ ૬ કરોડ રૂપિયા પડાવી લીધા હતા એવી ફરિયાદ બાંદરા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. રાજ્યના પ્રધાનોના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD) હોવાનો દાવો કરીને મંત્રાલયના પાર્કિંગમાં વેપારીને બોલાવી પેનડ્રાઇવમાં ટેન્ડરની કૉપી આપી પૈસા પડાવવામાં આવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પૈસા લીધા બાદ ઍન્ટિ-કરપ્શન વિભાગે ધરપકડ કરી હોવાનું કહીને આરોપીએ વેપારીના ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. એ પછી વેપારીએ મંત્રાલયમાં તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી.
બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપ્રિલના અંતમાં વેપારી તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં બે જણને મળ્યા હતા જેમણે આરોગ્ય પ્રધાન અને ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના પ્રધાનના OSD હોવાનો દાવો કર્યો હતો. તેમણે રાજ્યની હૉસ્પિટલમાં બેસાડાતા ICUનું ૧૨૦૦૦ બેડનું ટેન્ડર ૧૫ દિવસમાં નીકળવાનું છે એવું કહીને વાયદો કર્યો હતો કે ટેન્ડરપ્રક્રિયા વગર પ્રધાનને વાત કરીને કૉન્ટ્રૅક્ટ તમને અપાવી દઈશું. જોકે ટેન્ડર પહેલાં પ્રધાનથી લઈને તેમના હાથ નીચેના અધિકારીઓને પૈસા ખવડાવવા પડશે એવું કહીને તેમની પાસે ૬ કરોડ રૂપિયા માગ્યા હતા. આશરે ૧૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર હોવાથી વેપારી પૈસા આપવા તૈયાર થયા હતા. દરમ્યાન મે મહિનાના અંતમાં મંત્રાલયના બસ-સ્ટૅન્ડ નજીક વેપારી પાસેથી પૈસા લેવાયા હતા. ત્યાર બાદ આગળની મીટિંગ મંત્રાલયના પાર્કિંગમાં કરવામાં આવી હતી. પૈસા આપ્યા પછી ૧૫ દિવસ સુધી કોઈ માહિતી ન મળતાં વેપારીએ ફોન કર્યો હતો. એ પછી ફરીથી મંત્રાલયના પાર્કિંગમાં બોલાવીને વેપારીને પેનડ્રાઇવમાં ટેન્ડર-કૉપી આપવામાં આવી હતી. જોકે તેમને કામ શરૂ કરતાં પહેલાં અપડેટ લેવાનું કહેવાયું હતું. થોડા સમય બાદ કોઈ અપડેટ ન મળતાં વેપારીએ ફરી સંપર્ક કર્યો ત્યારે તેમને કહેવાયું હતું કે અમારી ઍન્ટિ-કરપ્શન વિભાગના અધિકારીઓએ પૈસા લેતી વખતે ધરપકડ કરી છે એટલે થોડા દિવસ તમારી સાથે વાત નહીં કરી શકીએ. જોકે એ પછી પણ વેપારીએ ઘણી રાહ જોઈ હતી. એ પછી મંત્રાલયમાં વધુ તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યાર બાદ તેમણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’


