કર્નાક બંદર બ્રિજને કારણે ટ્રાફિક વિભાગે મસ્જિદ બંદરમાં લાદેલા સમયના પ્રતિબંધોથી ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓના બિઝનેસ પર ઘેરી અસર થઈ છે

ટ્રાફિક ઘટાડવા જતાં બિઝનેસ ઘટી ગયો
મુંબઈ : સાઉથ મુંબઈના કર્નાક બંદર બ્રિજના ડિમોલિશન અને નૂતનીકરણને કારણે સાઉથ ઝોનના ટ્રાફિક વિભાગ તરફથી સાતમી ડિસેમ્બરથી તમામ પ્રકારનાં વાહનો એટલે કે હળવાં, મધ્યમ અને ભારે માલસામાનનાં વાહનોને લોડિંગ અને અનલોડિં કરવા, રોકવા અને પાર્ક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે ઉત્પાદકો અને વેપારીઓને ટ્રાન્સપોર્ટ દ્વારા તેમના માલસામાનનું સંચાલન અને વિતરણ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટ્રાન્સપોર્ટરોએ કરેલા દાવા પ્રમાણે આ નિયંત્રણથી તેમના બિઝનેસમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે અને જો આ નિયંત્રણ લાંબો સમય ચાલુ રહેશે તો ટ્રાન્સપોર્ટરો અને માથાડી કામગારના અસ્તિત્વને ઘણી અસર થશે.
ટ્રાન્સપોર્ટરોની શું સમસ્યા છે?
બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના પ્રમુખ અનિલ વિજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક વિભાગે અત્યારે ફક્ત ટ્રાન્સપોર્ટ પ્રવૃત્તિઓ માટે એટલે કે માલસામાન લોડિંગ અને અનલોડિંગ માટે બપોરના બારથી સાંજના પાંચ વાગ્યા સુધી અને રાતે ૮.૩૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીનો મર્યાદિત સમય આપ્યો છે, જેની અમારા બિઝનેસ પર ભારે અસર થઈ છે. અમારા વર્ષો જૂના કરાર પ્રમાણે માથાડી કામગારો રાતના ૮.૩૦ વાગ્યા પછીના સમયમાં ટ્રક લોડ અને અનલોડ કરવા તૈયાર નથી. તેઓ રાતના સમયે કામ કરવા માટે અમારી પાસે બમણા વેતન તેમ જ રાત્રિ ભોજનખર્ચની માગણી કરે છે. આનાથી અમારી કામગીરીની કિંમતમાં વધારો થાય છે, જે લૉજિસ્ટિક્સ ખર્ચને ઘણી રીતે અસર કરે છે.’
ટ્રાન્સપોર્ટરોએ શું માગણી કરી?
અનિલ વિજને વધુમાં કહ્યું હતું કે ‘અમારી પહેલી માગણી એ છે કે એક ટ્રક એક ગ્રાઉન્ડ પૉલિસી અંતર્ગત જે વાહનો સાંજે પાંચ વાગ્યા પહેલાં મસ્જિદ/ડોંગરી અને એની આસપાસના વિસ્તારમાં પ્રવેશ્યા પછી એ વાહનોને તેમના સંબંધિત ગોડાઉનની સામે પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવે. નિર્ધારિત સમયગાળા દરમ્યાન ગોડાઉનની સામે અન્ય કોઈ પણ વાહનોને રિવર્સ લેવાની કે ડબલ પાર્કિંગ માટે મંજૂરી આપવી જોઈએ નહીં. સાંજે પાંચ વાગ્યાથી રાતના ૮.૩૦ વાગ્યા વચ્ચે નાનાં અને હળવાં વાહનો એટલે કે સ્થાનિક ટેમ્પો, થ્રી અને ફોર-વ્હીલર જે ટ્રાન્સપોર્ટરો કે જે માલના બુકિંગ માટે આવે છે એના સિવાય ભારે માલસામાનનાં વાહનોને મંજૂરી આપવી જોઈએ નહીં.’
બિઝનેસ પર ઘેરી અસર
ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રના પ્રમુખ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક વિભાગ તરફથી લાદવામાં આવેલાં સમય નિયંત્રણથી રીટેલરોના બિઝનેસમાં ૪૦ ટકા ઘટાડો થયો છે. તેઓ મુંબઈ શહેર અને ઉપનગરોના વેપારીઓને સમયસર માલ પહોંચાડી શકતા નથી, જેથી મુંબઈનો બિઝનેસ મંદ પડી ગયો છે અને એનો ફાયદો મુંબઈની બહારના વેપારીઓને મળી રહ્યો છે. આ સંબંધમાં અમે રાજ્ય સરકાર, પ્રશાસન અને ટ્રાફિક વિભાગ બધાને ફરિયાદ કરવા છતાં તેઓ આંખ આડા કાન કરીને બેઠાં છે, જે અમારા માટે બહુ દુઃખની વાત છે. નિયંત્રણ ક્યાં સુધી લાગુ કરવામાં આવ્યા છે એનો ઉલ્લેખ નથી. જો તેઓ એમાં નિષ્ફળ જશે તો અમે અને ટ્રાન્સપોર્ટરો સાથે મળીને રસ્તારોકો આંદોલન કરીશું.’
ટ્રાફિક વિભાગ શું કહે છે?
કર્નાક બંદર બ્રિજને કારણે સાઉથ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હવે શરૂ થઈ છે, પરંતુ ટ્રાન્સપોર્ટરો માલના લોડિંગ અને અનલોડિંગ સમયે આખો રોડ રોકીને રાખે છે એમ જણાવતાં સાઉથ ઝોનના ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર ગૌરવ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટરો રોડ રોકીને રાખતા હોવાથી સાઉથ મુંબઈ અને મુખ્યત્વે મસ્જિદ બંદર સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં આવેલી ઑફિસોમાં અવરજવર કરતા લોકોને સૌથી વધારે સમસ્યા નડે છે. આ બાબતની અમને અનેક ફરિયાદો મળ્યા બાદ અમે આ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટરોના સમયમાં અનેક ફેરફાર કર્યા હતા. તમારે જોઈએ તો તમે આ વિસ્તારમાં આવેલી ઑફિસોના કર્મચારીઓ અને બિઝનેસમેનનું આ મુદ્દે ફીડબૅક લઈ શકો છો. તમને ખબર પડશે કે બે મહિનામાં ટ્રાન્સપોર્ટરોના સમયમાં સવારે અને સાંજે પાંચ વાગ્યા પછી પ્રતિબંધ મૂકવાથી તેમને કેટલી રાહત મળી છે.
રહેવાસીઓે શું કહે છે?
ભાતબજારમાં વર્ષોથી રહેતા ધનજી સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસે ટ્રાન્સપોર્ટના સમયમાં મૂકેલાં નિયંત્રણોથી સ્થાનિક રહેવાસીઓને ફાયદો થયો છે. જોકે આ ફાયદો પણ લાંબો સમય ટકતો નથી. વાહનોની અવરજવર બંધ હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ ડ્યુટી પર હોય છે અને જેવો વાહનવ્યવહાર શરૂ થાય કે તરત જ પોલીસો ગાયબ થઈ જાય છે. એનાથી ફરીથી જૈસે થી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે. અમે કોઈનો બિઝનેસ બગડે એવું ઇચ્છતા નથી, પરંતુ ટ્રાફિકની સમસ્યા ઘટે એ ખાસ જરૂરી છે.’