યુવકે પહેલાં શારીરિક સંબંધ બાંધ્યો અને પછી દેહવ્યવસાય કરતી હોવાનું કહીને એચઆઇવી ટેસ્ટ કરાવવા માટે તેની પાછળ પડ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
અંધેરી-ઈસ્ટમાં આવેલા મેઘવાડી પરિસરમાં રહેતી ૩૦ વર્ષની એક ગુજરાતી યુવતીની બોરીવલી-વેસ્ટમાં રહેતા ૩૫ વર્ષના હાર્દિક શાહ સાથે અંધેરીના એક પબમાં ઓળખાણ થઈ હતી. યુવતીનો વિશ્વાસ જીતીને યુવક તેને ભાઈંદરમાં આવેલા એક રિસૉર્ટમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તે દેહવ્યવસાય કરે છે એવું કહીને તેને પરેશાન કરીને એચઆઇવી ટેસ્ટ કરાવવા પાછળ પડી ગયો હતો અને ત્રાસ આપવા લાગ્યો હતો. યુવતીએ પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે રેપનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અંધેરી-વેસ્ટમાં આવેલી એક ક્લબમાં આરોપી અને યુવતીની ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતીને ખાણી-પીણીના બહાને ભાઈંદર-વેસ્ટના ઉત્તનના ડોંગરી વિસ્તારમાં આવેલા સિલ્વર ડોર રિસૉર્ટ ક્લબમાં લઈ ગયો હતો. ત્યાં આરોપી અને યુવતીએ દારૂ પીધો હતો. ત્યાર બાદ ફરિયાદી યુવતીને આરોપીએ લગ્નનું વચન આપીને વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યાર બાદ યુવતીનો વારંવાર સંપર્ક કરીને તું દેહવ્યવસાય કરે છે એમ કહીને જબરદસ્તી એચઆઇવી ટેસ્ટ કરાવવા પાછળ પડી ગયો હતો. આ ઉપરાંત યુવતીની મારપીટ કરવાની સાથે તું જ્યાં જઈશ ત્યાં તારી પાછળ આવીશ એવી ધમકી સુધ્ધાં આપવા લાગ્યો હતો.


