કેટલીક વેબસાઇટ્સ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પોતાનો બિઝનેસ પ્રમોટ કરવા સુનીલ શેટ્ટીના ફોટોનો ઉપયોગ કરતાં હોવાનો આરોપ મૂક્યો
સુનીલ શેટ્ટી
પર્સનાલિટી રાઇટ્સ માટે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બાદ હવે બૉલીવુડનો ઍક્ટર સુનીલ શેટ્ટી પણ મેદાને ચડ્યો છે. સુનીલ શેટ્ટીએ બૉમ્બે હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં ઘણાં સોશ્યલ મીડિયા પેજ અને વેબસાઇટ્સ કોઈ પણ પરવાનગી વિના પોતાના બિઝનેસને પ્રમોટ કરવા માટે સુનીલ શેટ્ટીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સુનીલ શેટ્ટીએ વચગાળાની અરજીમાં કોર્ટને વિનંતી કરી છે કે આવી બધી વેબસાઇટ્સને તાત્કાલિક તેમના ફોટોગ્રાફ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવે અને ભવિષ્યમાં પણ તેમના ફોટોનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે.
ADVERTISEMENT
સુનીલ શેટ્ટીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે ‘સુનીલ શેટ્ટી અને તેમના ગ્રૅન્ડ સનની તસવીરો કેટલીક વેબસાઇટ્સ પર છે. રિયલ એસ્ટેટ એજન્સી અને એક ગૅમ્બલિંગ સાઇટ પર પણ સુનીલ શેટ્ટીનો ફોટો મૂકવામાં આવ્યો છે.’
સુનીલ શેટ્ટીએ અરજીમાં દાવો કર્યો હતો કે તેની પર્સનાલિટી અને ફોટો પર તેનો અધિકાર છે અને તેની પરવાનગી વગર ફોટોનો ઉપયોગ થવાથી તેની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. શુક્રવારે જસ્ટિસ આરિફ ડૉક્ટરની બેન્ચે સુનાવણી હાથ ધર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.


