આવું કહીને બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૨૩થી જેલમાં રહેલી દહિસરની મહિલાને જામીન આપ્યાઃ ભૂતપૂર્વ પતિએ તેના પર પોતાના સાત વર્ષના દીકરાને વારંવાર મારવાનો આરોપ મૂક્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કોઈ મા પોતાના બાળકને મારે નહીં એવું કારણ આપીને બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૨૩થી જેલમાં રહેલી ૨૮ વર્ષની મહિલાને ગઈ કાલે જામીન આપ્યા હતા. આ મહિલા પર તેના સાત વર્ષના દીકરાને મારવાનો આરોપ છે.
હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ મિલિન્દ જાધવે નોંધ્યું હતું કે ‘પતિ-પત્નીના આ ઝઘડામાં બાળકે સહન કરવું પડી રહ્યું છે. તે બલિનો બકરો બની ગયો હોય એવું લાગે છે. બાળકના રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે તેને વાઈની બીમારી છે અને તે કુપોષિત છે. આ પેપર્સ પરથી એવું લાગે છે કે આરોપી મહિલાએ પોતાના બાળકની સારસંભાળ રાખવામાં સારોએવો ભોગ આપ્યો હોવો જોઈએ.’
ADVERTISEMENT
૨૦૨૩ના ઑક્ટોબરમાં મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે. બાળકને તેની મમ્મી અને પાર્ટનર વારંવાર મારતો હોવાની ફરિયાદ બાળકના પપ્પાએ ૨૦૨૩માં દહિસર પોલીસને કરી હતી. દહિસર પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં બાળકની હત્યાનો તેમ જ તેનું શારીરિક શોષણ કરવાનો પણ આરોપ મહિલાના પાર્ટનર પર કરવામાં આવ્યો છે. જોકે પ્રથમ દૃષ્ટિએ આ આરોપ માનવામાં નથી આવતા એવું કોર્ટે કહ્યું હતું. હાઈ કોર્ટે પોલીસની પણ ઝાટકણી કાઢી હતી, કારણ કે તેણે આરોપીની ધરપકડ શું કામ કરવામાં આવી છે એ પણ નહોતું જણાવ્યું.


