ફૅમિલી કોર્ટનો ચુકાદો રદ કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
પત્નીના આડા સંબંધ વિશેની શંકા દૂર કરવા માટે બાળકની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટથી તેના પિતાની ઓળખ કરવાનો આદેશ ફૅમિલી કોર્ટે આપ્યો હતો. તાજેતરમાં જ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આ આદેશને રદ કરતાં જણાવ્યું છે કે આવી જિનેટિક ટેસ્ટ અમુક અપવાદરૂપ કિસ્સામાં જ કરાવવાની પરવાનગી હોય છે.
૧ જુલાઈએ જસ્ટિસ આર. એમ. જોશીએ ચુકાદો આપતાં નોંધ્યું હતું કે પત્નીના લગ્નેતર સંબંધો હોવાની શંકાને પગલે છૂટાછેડા લેવા માટે બાળકની DNA ટેસ્ટ કરાવીને તેનો પિતા કોણ છે એ નક્કી કરવા માટે બાળકની DNA ટેસ્ટ કરવાની પરવાનગી ન અપાય, જો પત્નીને કોઈની સાથે સંબંધ હોય તો એ સાબિત કરવા માટે બીજી કોઈ રીત પણ અપનાવી શકાય.
ADVERTISEMENT
ફેબ્રુઆરી ૨૦૨૦માં ફૅમિલી કોર્ટે ૧૨ વર્ષના બાળકના પિતાની ખરાઈ કરવા માટે DNA કરાવવાનો આદેશ આપ્યો હતો જેને રદ કરતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘ફૅમિલી કોર્ટે બાળકના હિતમાં જ વિચારવું જોઈએ. બાળકની DNA ટેસ્ટનો આદેશ ભૂલભરેલો છે. કોઈને પણ બ્લડ-ટેસ્ટ કરાવવાનું સૂચવી ન શકાય. ખાસ કરીને નાનાં બાળકો જેઓ ટેસ્ટ કરાવવી કે નહીં એવો નિર્ણય પોતે ન લઈ શકતાં હોય ત્યારે તેમને મા-બાપના ઝઘડામાં વચ્ચે પાડીને આવી રીતે ટેસ્ટ કરવાનો આદેશ ન આપી શકાય. અદાલતે હંમેશાં બાળકના હિતમાં જ નિર્ણય લેવો જોઈએ.’

