બીએમસી હવે બાંદરા રેક્લેમેશનના પ્લૉટ પર ખાસ કૅન્સર માટેની ૧૬૫ ખાટલા સાથેની હૉસ્પિટલ બનાવવાનું છે.
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
કૅન્સરના દરદીઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે પરેલમાં આવેલા તાતા મેમોરિયલ સેન્ટર (તાતા હૉસ્પિટલ) પર બહુ જ પ્રેશર આવે છે અને અનેક દરદીઓએ વેઇટિંગમાં રહેવું પડે છે. એ સિવાય કૅન્સરની એક હૉસ્પિટલ ખારઘરમાં પણ આવેલી છે. દરદીઓને વહેલી તકે સારવાર મળી શકે અને વધુ હેરાન ન થવું પડે એ માટે બીએમસી હવે બાંદરા રેક્લેમેશનના પ્લૉટ પર ખાસ કૅન્સર માટેની ૧૬૫ ખાટલા સાથેની હૉસ્પિટલ બનાવવાનું છે.
અન્ય સરકારી હૉસ્પિટલોમાં કૅન્સરનાં ઑપરેશન થાય છે અને સારવાર પણ થાય છે, પણ માત્ર મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં કૅન્સર માટે રેડિયોથેરપી (કીમોથેરપી)ની સારવાર આપવામાં આવે છે. આ સંદર્ભે ગયા વર્ષે રાજ્યના હેલ્થ મિનિસ્ટર તાનાજી સાવંતે વિધાનસભામાં કહ્યું હતું કે વડાલામાં આવેલી બીપીટીની જમીન પર અથવા બાંદરા રેક્લેમેશનના પ્લૉટ પર હૉસ્પિટલ ઊભી કરી શકાય કે નહીં એ જાણવા એનો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવા માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કૅન્સરના નિદાન માટે રાજ્યની દરેક મેડિકલ કૉલેજમાં અઠવાડિયામાં એક દિવસ ખાસ એના ટેસ્ટિંગ અને ચેકિંગ માટે રાખ્યો છે જેથી એની વહેલી જાણ થાય અને વહેલી સારવાર પણ શરૂ કરી શકાય. એ વખતે આશિષ શેલારે પણ કહ્યું હતું કે જો બાંદરા રેક્લેમેશનના પ્લૉટનું રિઝર્વેશન ચેન્જ કરાય તો એ પ્લૉટ કૅન્સર માટેની અલાયદી હૉસ્પિટલ માટે વિકસાવી શકાય.


