એને કારણે લોકોએ રસ્તા પર વધતું જતું ધૂળનું પ્રદૂષણ સહન કરવું પડે છે
રસ્તાની સફાઈ કરતાં વાહનો પડી રહ્યાં હોવાથી લોકોએ ધૂળનો સામનો કરવો પડે છે
રસ્તા પર ઊડતી ધૂળ દૂર કરવા અને રસ્તા સાફ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે મશીનો ખરીદવામાં આવ્યાં હતાં, પરંતુ હજી સુધી આ મશીનો સફાઈ માટે ઉપયોગમાં લેવાતાં ન હોવાથી એ ધૂળ ખાતાં પડ્યાં હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને આ મશીનો ક્યારે શરૂ થશે એની રાહ જોઈ રહ્યો છે.
વસઈ-વિરારમાં વિવિધ સ્થળોએ રસ્તા પર ધૂળનું પ્રમાણમાં વધી ગયું છે. આ ધૂળના કણો હવામાં ફેલાતાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. વરસાદે વિરામ લીધા બાદ વસઈ, નાલાસોપારા, નાયગાંવ અને વિરારના વિસ્તારોમાં ઘણા રસ્તા ધૂળથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. એની અસર વાહનચાલકોને પણ થવા લાગી છે. રસ્તા પર ધૂળનું પ્રદૂષણ ઘટાડવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના પંદરમા આયોગમાંથી આશરે ૪.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પાંચ નવાં અત્યાધુનિક રોડ સ્વીપર વાહનો ખરીદ્યાં છે. અગાઉ પણ આવાં બે મશીનો ખરીદવામાં આવ્યાં હતાં. આ મશીન દ્વારા રસ્તા પરનો અને ફુટપાથને તેમ જ ડિવાઇડરને અડીને આવેલો કચરો અને ધૂળને યોગ્ય રીતે એકઠાં કરીને સાફ કરવામાં આવે છે. એનાથી રસ્તા પર ફેલાતા પ્રદૂષણને રોકવામાં ઘણી મદદ મળશે. જોકે આ મશીનો હજી સુધી મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ન હોવાથી એમને આચોલે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ હેડક્વૉર્ટર ખાતે ઊભાં રાખવામાં આવ્યાં છે. એક તરફ રસ્તા પર ઊડતી ધૂળને કારણે થતા પ્રદૂષણથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ આ વાહનો બંધ રાખ્યાં છે. આ વાહનો માટે ડ્રાઇવર નિયુક્ત કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. મહાપાલિકા દ્વારા આટલું ભંડોળ ખર્ચવા છતાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી લોકોએ મહાપાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
વસઈ-વિરારના અનેક રસ્તા દિવસ દરમિયાન ધૂળથી ભરેલા હોવાથી એ ધૂળ નાક અને મોં પર ઊડતી હોય છે એને કારણે લોકોના આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો છે. તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાય છે. સવારે કામ પર અને વૉકિંગ કરવા જતા લોકોએ આ ધૂળનો સામનો કરવો પડે છે.
બે મહિના પહેલાં મહાનગરપાલિકા દ્વારા રોડની સફાઈ કરવા માટે ખરીદવામાં આવેલાં વાહનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એટલે રસ્તાની સફાઈનું કામ ઝડપથી થશે એવું વિચારવામાં આવ્યું હતું. જોકે આ વાહનો પરિવહન વિભાગમાંથી સ્વછતા (સૅનિટેશન) વિભાગને સોંપવામાં આવ્યાં ન હોવાથી મહાપાલિકાએ હજી કામગીરી શરૂ કરી નથી. એક વાર હસ્તાંતર થયા બાદ આ વાહનો સેવામાં મૂકવામાં આવશે અને નિયમિત સફાઈ માટે ઉપયોગમાં લેવાશે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ અસિસ્ટન્ટ કમિશનર સુખદેવ દરવેશીએ જણાવ્યું હતું કે હાલમાં બે ક્લીનિંગ મશીન છે જેનો ઉપયોગ રસ્તાની સફાઈ માટે થઈ રહ્યો છે.
સુધરાઈનું શું કહેવું છે?
વસઈ-વિરાર મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર અજિંક્ય બાગડે કહે છે, ‘આ યાંત્રિક વાહનો માટે ડ્રાઇવરોની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરિવહન વિભાગની કેટલીક મુશ્કેલીઓ દૂર કરીને વાહનો શરૂ કરવામાં આવશે.’

