મારું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ જવાથી હું મતદાન કરી શકી નહોતી એમ સરોજ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું
સરોજ દેસાઈ અને તેમનું વોટિંગ કાર્ડ.
ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરમાંથી છ મહિના પહેલાં LBS માર્ગ પરના કલ્પતરુ ઑરા કૉમ્પ્લેક્સમાં આવેલાં ૭૦ વર્ષનાં સરોજ દેસાઈ તેમનું નામ ચૂંટણી આયોગની ઑનલાઇન મતદારયાદીમાં નોંધાઈ ગયા પછી પણ ગઈ કાલે મતદાન કરી શક્યાં નહોતાં. સરોજબહેન મતદાન કરવા ખૂબ જ ઉત્સાહી હતાં, પણ અનેક પ્રયાસો પછીયે તેમને મતદાન કરવા ન મળતાં એકદમ નિરાશ થઈ ગયાં હતાં.
ઘર બદલ્યા પછી મારા પરિવારમાં મારા પુત્ર વિપુલ, મારી પુત્રવધૂ સેજલને મતદાન કરવા મળ્યું, મારું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ જવાથી હું મતદાન કરી શકી નહોતી એમ જણાવીને સરોજ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કલ્પતરુ ઑરામાં રહેવા આવ્યા એ દિવસથી મેં મારું નામ નવા સરનામા સાથે મતદારયાદીમાં નોંધાય એ માટે મહેનત શરૂ કરી હતી. પહેલાં તો અમે એ માટે પંતનગરની ચૂંટણી કચેરીમાં ગયાં હતાં, પરંતુ ત્યાંની પ્રક્રિયા થોડી જટિલ લાગતાં મારા પુત્રને એક રહેવાસીએ ઑનલાઇન નોંધણી કરવાની સલાહ આપી હતી. આથી અમે ઑનલાઇન નોંધણી કરી, પરંતુ અરજી ૬ વખત નામંજૂર થઈ. ત્યાર બાદ મારી પુત્રવધૂ સેજલે સતત ફૉલોઅપ કર્યા બાદ અંતે મારું નામ મતદારયાદીમાં દાખલ થયું હતું.’
ADVERTISEMENT
સરોજબહેને વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘મારું નામ મતદારયાદીમાં નોંધાઈ જવાથી મને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત આપવા મળશે એની ખુશી હતી. મારું નામ ચૂંટણી આયોગની વેબસાઇટ પર પણ નોંધાયા તરીકે દર્શાવતું હતું. જોકે ગઈ કાલે મારું નામ મતદારયાદીમાં નહોતું. આ માટે અમે અમારા મતદાનમથક પર તપાસ કરી તો જાણકારી મળી કે કેટલાય લોકોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ છે એટલે તેમને મતદાન કરવાની પરવાનગી નથી. નવાઈની વાત એ છે કે થોડા સમય પહેલાં જ મળેલા ઇલેક્શન કાર્ડમાં મને ઑનલાઇન વિભાગ-નંબર તથા સિરિયલ-નંબર સ્પષ્ટ દેખાય છે. મેં અને મારા પુત્રએ ચૂંટણી-અધિકારીઓને ઘણી વિનંતી કરી અને ઘણા પ્રયત્નો કર્યા પછી અંતે મેં હાર માની લીધી હતી. મતદાર હેલ્પલાઇન-નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કર્યો, પરંતુ એ લાઇન પણ વ્યસ્ત હતી.’


