આ ઘટનાની તપાસ કરવા BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ત્રણ સદસ્યોની કમિટી બનાવી હતી જેણે એ દુર્ઘટના માટે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) અને એના કૉન્ટ્રૅક્ટર લાર્સન ઍન્ડ ટુબ્રો (L&T)ને જવાબદાર ઠેરવ્યા છે.
બીએમસીની ફાઈલ તસવીર
ગયા અઠવાડિયે શહેરમાં પડેલા જોરદાર વરસાદ વખતે અંધેરીમાં ૪૫ વર્ષની વિમલ ગાયકવાડનું મૅનહોલમાં પડી જવાથી મૃત્યુ થયું હોવાથી એની તપાસ કરવામાં આવી હતી. જોકે નવાઈની વાત એ છે કે એમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તપાસ કરીને BMCને જ ક્લીન ચિટ આપી છે. આ ઘટનાની તપાસ કરવા BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ત્રણ સદસ્યોની કમિટી બનાવી હતી જેણે એ દુર્ઘટના માટે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) અને એના કૉન્ટ્રૅક્ટર લાર્સન ઍન્ડ ટુબ્રો (L&T)ને જવાબદાર ઠેરવ્યા છે.
ઉચ્ચ સ્તરીય તપાસની એ કમિટીના વડા તરીકે ઝોન-૩ના ડેપ્યુટી કમિશનર દેવીદાસ ક્ષિરસાગર, અન્ય બે સભ્યોમાં ચીફ ફાયર ઑફિસર રવીન્દ્ર અંબુલગેકર અને ચીફ એન્જિનિયર (વિજિલન્સ) અવિનાશ તાંબેવાઘનો સમાવેશ કરાયો હતો. આ કમિટીએ તપાસ કરી ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો હતો.
કમિટીએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૧૫થી એ રોડ અને એ વિસ્તારનો અખત્યાર MMRCLના કૉન્ટ્રૅક્ટર L&T પાસે છે. BMCના ‘કે–ઈસ્ટ’ વૉર્ડના ઑફિસરોએ કરેલી સ્પૉટ વિઝિટમાં એ ત્રુટીઓ જણાઈ આવી હતી અને એથી એ L&Tને જણાવી પણ હતી એટલું જ નહીં, જો કામમાં ત્રુટી જણાય તો એ બાબતે ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ અંતર્ગત એ ત્રુટીઓ ભરી કાઢવાની જવાબદારી પણ તેમની જ હોય છે. એથી એ દુર્ઘટનાની જવાબદારી MMRCL અને L&Tની હોવાના તારણ પર એ કમિટી પહોંચી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
જોકે એમ છતાં જ્યાં ઘટના બની એ મેઇન રોડ હોવાથી અને ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ જાહેર કરાયું હોવાથી BMCના એ વિભાગના કર્મચારીઓએ ધ્યાન આપવાની જરૂર હતી એમ પણ કમિટીએ એના રિપોર્ટમાં જણાવ્યું છે.