ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ અને વૉર્ડ-નંબર ૧૩૧નાં નગરસેવિકા રાખી જાધવની ફરિયાદથી સફાળી જાગી મહાનગરપાલિકા : સ્થાનિક રહેવાસીઓએ અને રેલવે-પ્રવાસીઓએ વર્ષો પછી રાહતનો અનુભવ કર્યો
ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકમાં નીલયોગ મૉલ પાસે રહેલો ગાયોનો ગેરકાયદે તબેલો. ગાયોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી રહેલી સફાળી જાગેલી મહાનગરપાલિકા.
ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા મહાનગરપાલિકાના N વૉર્ડની ઑફિસથી ફક્ત ૧૦૦ મીટરના અંતરમાં આવેલો પટેલ ચોક વર્ષોથી તબેલામાં પરિવર્તિત થઈ ગયો હતો. આમ છતાં N વૉર્ડના મેડિકલ ઑફિસરે સ્થાનિક રહેવાસીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે આ અમારી જવાબદારી નથી, અમને કોઈ નાગરિકની ફરિયાદ આવશે તો અમે એને દેવનારના પશુવિભાગને કાર્યવાહી કરવા માટે મોકલી આપીશું. જોકે રહેવાસીઓ, રેલવેના પ્રવાસીઓ અને રાહદારીઓની અનેક ફરિયાદોને પગલે આ તબેલા બાબતમાં ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહ અને આ વિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા રાખી જાધવે મહાનગરપાલિકાને ફરિયાદ કર્યા પછી ઘાટકોપરના N વૉર્ડના અધિકારીઓએ સફાળા જાગીને પટેલ ચોકમાં ગેરકાયદે ઊભી રાખવામાં આવતી ગાયોને હટાવી દીધી હતી, જેને પરિણામે સ્થાનિક રહેવાસીઓએ અને રાહદારીઓએ રાહત અનુભવી હતી.
ઘાટકોપર-ઈસ્ટના રેલવે-સ્ટેશન પાસે આવેલા પટેલ ચોકમાં ગાયોના એક માલિકે રસ્તાની વચ્ચોવચ ગાયો ઊભી રાખીને આ ચોકને તબેલામાં પરિવર્તિત કરી દીધો હતો. આ માલિક ગાયોને ઘાસ ખવડાવવાથી લઈને દૂધ દોહવા સુધીનાં કામ રોડની વચ્ચે જ કરે છે. આ ગાયો રોડની વચ્ચે જ યુરિન અને ટૉઇલેટ કરીને રોડને ગંદો કરે છે એટલું જ નહીં, આ જ જગ્યા પર રિક્ષા-સ્ટૅન્ડ હોવાથી પટેલ ચોકમાં ટ્રાફિક જૅમની સમસ્યા પણ થાય છે. રાહદારીઓને ચાલવા માટે અત્યંત મુશ્કેલીભર્યું હોવા છતાં મહાનગરપાલિકા આ ગાયોને હટાવવામાં સાવ જ નિષ્ફળ રહી હતી.
